કોંગ્રેસે ગુરુવારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર પર ‘આર્થિક આતંકવાદ’ શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પહેલા તેને આર્થિક રીતે વિકલાંગ બનાવવા માટે તેના બેંક ખાતામાંથી રૂ. 65 કરોડથી વધુની રકમ ‘લૂંટાઈ’ હતી.
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ વિશ્વની સૌથી મોટી લોકશાહીને ‘તાનાશાહી શાસન’માં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આર્થિક રીતે પંગુ પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે પત્રકારોને કહ્યું, ‘આ કોંગ્રેસની આર્થિક હત્યાનો પ્રયાસ નથી, પરંતુ લોકશાહીની હત્યા છે.’ રમેશે દાવો કર્યો કે આ ‘ટેક્સ ટેરરિસ્ટ એટેક’ દ્વારા કોંગ્રેસને લોકસભાની ચૂંટણી મજબૂત રીતે લડવાથી રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વેણુગોપાલે કહ્યું, ‘ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આર્થિક આતંકવાદ શરૂ કરવામાં આવ્યો છે. અમને આ પૈસા સામાન્ય લોકો અને કામદારો પાસેથી મળ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટીના ખાતા હાઇજેક કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ‘મૂળ વાત એ છે કે બેંકોમાંથી અમારા પૈસાની ચોરી થઈ રહી છે… આ વિપક્ષને ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ નકારવાનો પ્રયાસ છે.’
વેણુગોપાલે કહ્યું, ‘અમે લડીશું. અમે ટ્રિબ્યુનલમાં ગયા છીએ… અમે જનતાની પાસે જઈશું, કારણ કે જનતા માસ્ટર છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વિશ્વની સૌથી મોટી લોકશાહીને તાનાશાહી શાસનમાં ફેરવવા માંગે છે.
કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને આક્ષેપ કર્યો હતો કે, ‘ભાજપ સરકારે તમામ વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસ સામે આર્થિક આતંકવાદ શરૂ કર્યો છે… મોદી સરકારે અમારા ખાતાઓ લૂંટીને નાણાં છીનવી લીધા છે.’ તેમણે કહ્યું કે પાર્ટી, ભારતીય યુવા કોંગ્રેસ અને NSUIના ખાતામાંથી 65,88,81,474 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.
ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બી. વી.એ આક્ષેપ કર્યો હતો કે તેમની સંસ્થાના ખાતામાંથી ઉપાડેલી રકમ કામદારો દ્વારા જમા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જનતા આ તાનાશાહી વલણનો જવાબ આપશે.
તાજેતરમાં, આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની વસૂલાતની માંગને ટાંકીને કોંગ્રેસના મોટા ખાતાઓ ‘ફ્રીઝ’ કરી દીધા હતા. જો કે, પાછળથી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે આગામી સુનાવણી સુધી તેમના ખાતાઓ પરનું ફ્રીઝ હટાવી દીધું હતું.