ઉદયપુર હત્યાકાંડ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં
આ કેસની તપાસ NIAને સોંપી
મુખ્યમંત્રી ઉચ્ચ સ્તરિય બેઠક કરશે
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે. ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તે આ કેસની તપાસ પોતાના હાથમાં લે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયુ છે કે, આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
ઉદયપુરની ઘટના બાદ રાજસ્થાનમાં એલર્ટ છે. આ તમામની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુર પહોંચ્યા છે. તે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠક કરશે. તેમણે ઉદયપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તથા હુમલો કરનારા લોકોના નેટવર્કની તપાસ કરવા માટે SITની ટીમ બનાવીને જયપુર મોકલી છે.