બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના મંગળવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાની ચાર દિવસીય ભારત મુલાકાતનો આ બીજો દિવસ છે. આજે પીએમ મોદી સિવાય તેઓ ભારત સરકારના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન શેખ હસીના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રને લગતા ઘણા કરારોને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
આજે શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો અને વેપારને નવી ઊંચાઈ આપવા માટે પાણી વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત કુશિયારા નદીના પાણીની વહેંચણી સહિતના સાત કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન આપણા લોકો માટે ગરીબી દૂર કરવા અને અર્થવ્યવસ્થાના વિકાસ પર છે. મને લાગે છે કે બંને દેશો તમામ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી કરીને માત્ર ભારત અને બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં લોકોને સારું જીવન મળી શકે.
રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, ભારત અમારો મિત્ર છે. હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે તે મારા માટે ખુશીની વાત હોય છે.ખાસ કરીને કારણ કે આપણે આપણા મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના યોગદાનને હંમેશા યાદ કરીએ છીએ. અમારા મૈત્રીપૂર્ણ સંબંધો છે, અમે એકબીજાને સહકાર આપીએ છીએ. શેખ હસીના સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. મુલાકાતના પહેલા દિવસે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આજે હસીના વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરશે.