અયોધ્યામાં મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લાનો શિલાન્યાસ આવતા વર્ષે થવાની સંભાવના છે. સમારોહ માટે સંતો, પીર અને મૌલવીઓને આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોએ શુક્રવારે આ જાણકારી આપી. આ મસ્જિદના નિર્માણનું કામ ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF)ને સોંપવામાં આવ્યું છે. અયોધ્યા મસ્જિદ વિકાસ સમિતિના અધ્યક્ષ હાજી અરાફાત શેખે જણાવ્યું હતું કે જ્યારે આગામી પાંચથી છ વર્ષમાં મસ્જિદ તૈયાર થઈ જશે, ત્યારે મક્કા મસ્જિદમાં નમાજ અદા કરનાર ઈમામ-એ-હરમ સહિત તમામ દેશોના ટોચના મૌલવીઓને આમંત્રિત કરવામાં આવશે.
ભાજપના નેતા અને મહારાષ્ટ્ર અલ્પસંખ્યક આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ શેખે કહ્યું કે આ મસ્જિદ પ્રતિષ્ઠિત તાજમહેલ કરતાં વધુ સુંદર હશે. અમે શિલાન્યાસ માટે દેશભરના સંતો અને પીરોને આમંત્રિત કરીશું, જે આવતા વર્ષની શરૂઆતમાં થવાની સંભાવના છે, શેખે જણાવ્યું હતું.
મસ્જિદનું નામ પ્રોફેટના નામ પરથી મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવ્યું છે. તેનું નિર્માણ અયોધ્યાથી 25 કિલોમીટર દૂર ધન્નીપુરમાં અલગ જગ્યાએ કરવામાં આવશે. અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારે મુસ્લિમોને આ પ્લોટ આપ્યો છે.
અમે આગામી વર્ષે મસ્જિદનો શિલાન્યાસ કરવાની આશા રાખીએ છીએ અને અમે સમારંભ માટે દેશભરમાંથી મૌલવીઓને આમંત્રિત કરીશું, ”ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ અને મુખ્ય ટ્રસ્ટી ઝુફર અહમદ ફારૂકીએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ફારૂકીએ કહ્યું કે, એકવાર મસ્જિદ તૈયાર થઈ જશે, અમે વિશ્વભરના મહાનુભાવોને આમંત્રિત કરીશું.
મસ્જિદ ઉપરાંત, મસ્જિદ વિકાસ સમિતિએ ત્યાં દંત ચિકિત્સા, કાયદો, આર્કિટેક્ચર અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા વિવિધ વિષયોને સમર્પિત કોલેજોની કલ્પના કરી છે. શેઠે કહ્યું કે આ સિવાય કેન્સરની સારવાર સહિતની બે હોસ્પિટલો પણ ખોલવામાં આવશે. તમામ ધર્મના લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે એક શાકાહારી સમુદાય કેન્દ્ર પણ બનાવવામાં આવશે.