- અણ્ણા હજારેએ અનશન કર્યું રદ્દ
- ગ્રામ સભાનો આદેશ માથે ચડાવી અનસન કર્યું રદ્દ
- મને હવે આ રાજ્યમાં જીવવા જેવું લાગતું નથી: અણ્ણા હજારે
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાળેગણસિદ્ધિ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવતાં સોમવારથી શરૂ થનારા પોતાના અનશનને રદ કરી નાખ્યા છે અને હવે અણ્ણા અનશન પર નહીં બેસે, પરંતુ આ પહેલાં તેમણે એક વાક્ય એવું કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકશાહી નહીં, હુકમશાહી ચાલે છે અને અહીં હવે જીવવાની કોઈ ઈચ્છા જ રહી નથી એવો સંદેશો તમારા મુખ્ય પ્રધાન સુધી પહોંચાડી દેજો. જેને કારણે રાજ્યની સરકારને નીચાજોણું થાય એવી શક્યતા છે. રવિવારે રાળેગણસિદ્ધિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગ્રામસભાને સંબોધતાં અણ્ણાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટમાં વાઈન વેચવાનો નિર્ણય લઈને રાજ્ય સરકારે રાજ્યમાં લોકશાહી નહીં, હુકમશાહી હોવાનો પુરાવો આપ્યો છે.
સુપરમાર્કેટમાં વાઈનનું વેચાણ કરવાનો પ્રસ્તાવ આજનો નથી, ૨૦૦૧નો છે. તે સમયે રાજ્યમાં લોકશાહી હતી અને તેથી આ પ્રસ્તાવનો અમલ કરાયો નહોતો. આજે રાજ્યમાં લોકશાહી નહીં, હુકમશાહી છે અને તેથી લોકોને પુછ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ગ્રામસભાને એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના પ્રધાન સચિવ વલ્સા નાયર સિંહ શનિવારે રાળેગણસિદ્ધિમાં અણ્ણા હજારેને મળવા ગયા હતા અને તેમણે લગભગ ત્રણ કલાક સુધી તેમની સાથે વાતો કરી હતી.એ તેમણે અણ્ણાને અનશન પાછા ખેંચી લેવાની વિનંતી કરી હતી અને એવી ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર વાઈનના વેચાણ અંગેના નિર્ણય માટે નાગરિકો પાસેથી વાંધા-વિરોધ-સૂચનો મગાવશે.
આ બાબતની જાણકારી ગ્રામસભાને આપતાં અણ્ણાએ રવિવારે કહ્યું હતું કે મેં તેમને એવો સવાલ કર્યો હતો કે રાજ્યમાં બીયરબાર, પરમિટ રૂમ અને વાઈન શોપ પૂરતા નથી? શા માટે સરકાર સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઈન વેચવા માગે છે? શું તેઓ રાજ્યમાં નશો ફેલાવવા માગે છે? આ જ ચર્ચા દરમિયાન મે ંતેમને એમ પણ જણાવ્યું હતું કે મને હવે આ રાજ્યમાં જીવવા જેવું લાગતું નથી. જેને પગલે હવે સરકારે ફેરવિચાર કર્યો હોવાનું જણાય છે, એમ પણ અણ્ણાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે એવી ખાતરી આપી છે કે સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઈનના વેચાણને પરવાનગી આપવા માટે નાગરિકો પાસેથી વાંધા-વિરોધ અને સૂચનો મગાવવામાં આવશે. આથી આવતીકાલથી શરૂ થનારા મારા અનશનને અત્યારે રદ કરું છું. જો રાજ્ય સરકાર પોતાનું વચન નહીં પાળે તો ફરી અનશન કરીશ, એમ પણ હજારેએ ગ્રામ સભાના નિર્ણય બાદ જણાવ્યું હતું.