કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ઓડિશાના ગંજમ જિલ્લાના આસ્કા પોલીસ સ્ટેશનને નંબર વન પોલીસ સ્ટેશન તરીકે પુરસ્કાર આપ્યો હતો. વર્ષ 2022 માટે પોલીસ સ્ટેશનોની વાર્ષિક રેન્કિંગમાં આસ્કા પોલીસ સ્ટેશનને આ ટાઇટલ મળ્યું છે. આ માહિતી એક સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંકુલ, નવી દિલ્હી ખાતે શુક્રવારથી શરૂ થયેલા DGSP/IGSP કોન્ક્લેવ 2022 દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. રીલીઝ અનુસાર, આસ્કા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત કુમાર સાહુને શાહ તરફથી પ્રશસ્તિપત્ર સાથે પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.
165 વિવિધ પરિમાણો પર રેન્ક નક્કી કરવામાં આવે છે
ડીજીપી એસકે બંસલે ડીજીએસપી/આઈજીએસપી કોન્ફરન્સમાં ભાગ લેતા કહ્યું કે ઓડિશા પોલીસ માટે આ ખૂબ જ ગર્વ અને સન્માનની ક્ષણ છે. અધિકારીઓએ જણાવ્યું કે દેશભરના પોલીસ સ્ટેશનોની રેન્કિંગ એ ગૃહ મંત્રાલય દ્વારા વાર્ષિક કવાયત છે. ક્રાઈમ રેટ, તપાસ અને કેસનો નિકાલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવા વિતરણ જેવા 165 વિવિધ પરિમાણોના આધારે રેન્ક નક્કી કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે કુલ પોઈન્ટના લગભગ 20 ટકા પણ પોલીસ સ્ટેશન વિશે નાગરિકો પાસેથી મળેલા સૂચનો પર આધારિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેન્કિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસિંગની ગુણવત્તા સુધારવા અને પોલીસ સ્ટેશનોને શ્રેષ્ઠ બનાવવાનો છે.