જમ્મુ-કાશ્મીરના સન્યાલ વિસ્તારમાં મોડી રાત્રે બ્લાસ્ટના સમાચાર આવ્યા છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાન્યાલ વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ હીરાનગરના SSP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
આ પહેલા 21 જાન્યુઆરીની સવારે જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 7 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11:00 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. તેના માત્ર 15 થી 20 મિનિટ પછી, તે જ વિસ્તારમાં બીજો બોમ્બ વિસ્ફોટ થયો. પ્રાથમિક તપાસમાં આ બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આતંકવાદીઓએ પહેલો વિસ્ફોટ જોવા આવેલા ભીડ અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે બીજો વિસ્ફોટ કર્યો હતો.