રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 3 હજાર રૂપિયાને વટાવી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500એ પહોંચી ગયો છે.
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો નવો ભાવ રૂપિયા 3050 થયો છે. તો 30 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2500 થયો છે. જોકે, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. આવી રીતે ભાવ વધતાં રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બની જશે. આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું હતું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે.
તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે.