ભૂતપૂર્વ અમલદાર અરુણ ગોયલને ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે સોમવારે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પંજાબ કેડરના ભૂતપૂર્વ IAS અધિકારી છે. ગોયલે શુક્રવારે ભારે ઉદ્યોગ સચિવના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. શનિવારે તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
કાયદા મંત્રાલયે આ નિમણૂક વિશે માહિતી આપી હતી
શનિવારે સાંજે, કાયદા મંત્રાલયે એક નિવેદન જારી કર્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરુણ ગોયલ, IAS (નિવૃત્ત)ને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.” પંજાબ કેડરના 1985 બેચના IAS અધિકારી અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પેનલમાં જોડાશે.
સુશીલ ચંદ્રા મે મહિનામાં નિવૃત્ત થયા હતા
ઉલ્લેખનીય છે કે, સુશીલ ચંદ્રા આ વર્ષના મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારથી ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેનો સમાવેશ થતો હતો. પસંદગી પેનલ મે મહિનાથી બે સભ્યોની સંસ્થા હતી. આ સમયગાળા દરમિયાન, પંચે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ગેરલાયકાતની માંગ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ સંભાળ્યા.
ગોયલે નિવૃત્તિના 40 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું
અરુણ ગોયલ પંજાબના સૌથી વરિષ્ઠ IAS અધિકારી હતા. તેમણે નિવૃત્ત થવાના 40 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું. તેઓ ઘણા વર્ષોથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા. તેમણે પીએમઓમાં પણ મહત્વની જવાબદારીઓ નિભાવી છે. ગોયલ 31 ડિસેમ્બર 2022ના રોજ નિવૃત્ત થવાના હતા. નોંધનીય છે કે પંજાબ અને કેન્દ્ર સરકારે એક જ દિવસે ગોયલનું રાજીનામું સ્વીકારી લીધું હતું.