પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની PM મોદીના સલાહકાર તરીકે નિયુક્તિ
હરિ રંજન રાવ અને આતિશ ચંદ્રની PMOમાં અધિક સચિવ તરીકે નિયુક્તિ
જ્ઞાનેશ કુમાર સહયોગ સચિવ અને અલકેશ કુમાર શર્મા માહિતી સચિવ
પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂર કે જેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા આદેશમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. ત્યારે આજે અમે તમને અહીં જણાવીશું કે આખરે આ તરુણ કપૂર કોણ છે અને શું છે તેમની પ્રોફાઇલ?તમને જણાવી દઇએ કે, પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરને પ્રધાનમંત્રી મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યાં છે. કાર્મિક મંત્રાલયના જણાવ્યાં અનુસાર કેબિનેટની નિમણૂંક સમિતિએ પીએમના સલાહકાર તરીકે તરુણ કપૂરની નિમણૂંકને મંજૂરી આપી છે
તેઓ PMOમાં એડવાઈઝર તરીકે સેવા આપશે. તેમનો હોદ્દો ભારત સરકારના સચિવના સ્તરનો હશે. શરૂઆતમાં તેમની નિમણૂંક બે વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવાના 1987 ની બેચના હિમાચલ પ્રદેશ કેડરના તેઓ અધિકારી છે. તેઓ 30 નવેમ્બર 2021 ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતાં.તરુણ કપૂરને રાજ્ય અને કેન્દ્ર બંનેમાં બહુવિધ સ્તરે કામ કરવાનો લાંબો અનુભવ છે. હિમાચલમાં તેમણે પર્યાવરણ, વન, ઉર્જા, PWD, આબકારી વિભાગ, ખાદ્ય અને પુરવઠા વિભાગોની જવાબદારી સંભાળી હતી. તેઓ હિમાચલ પ્રદેશના અધિક મુખ્ય સચિવ અને સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડના ચીફ પણ રહી ચૂક્યાં છે. તેઓ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પણ રહી ચૂક્યાં છે.એ જ રીતે વરિષ્ઠ આઈએએસ અધિકારી હરિ રંજન રાવ અને આતિશ ચંદ્રાને પીએમઓમાં અધિક સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. રાવ 1994ની બેચના એમપી કેડરના આઈએએસ અધિકારી છે.
હાલમાં તેઓ ટેલિ કોમ્યુનિકેશન મંત્રાલયમાં યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન ફંડના એડમિનિસ્ટ્રેટર છે. બિહાર કેડરના આતિશ ચંદ્રા, જે તેમના બેચમેટ હતા, તેઓ હાલમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સીએમડી છે. આતિશ ચંદ્રા 1994 ની બેચના IAS અધિકારી છે કે જેઓ કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે.વરિષ્ઠ આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમારને સહકાર મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા છે. કુમાર કેરળ કેડરના 1988 ની બેચના આઈએએસ છે. હાલમાં તેઓ સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ છે. દેવેન્દ્રકુમાર સિંહની જગ્યાએ તેમને સહકાર સચિવ બનાવવામાં આવ્યા છે. સિંહને માનવ અધિકાર આયોગના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. હાલમાં કેબિનેટ સચિવાલયમાં સંકલન સચિવ રહેલા અલ્કેશકુમાર શર્માને ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ (મેઇટી)માં સચિવ બનાવવામાં આવ્યા છે.