- પંજાબના લુધિયાણાની કોર્ટમાં થયો બ્લાસ્ટ
- કોર્ટના ત્રીજા માળે બાથરૂમમાં થયો બ્લાસ્ટ
- કોર્ટ પરિસરમાં થયેલ બ્લાસ્ટમાં 2 લોકોના મોત
થોડા સમય પહેલા દિલ્હીના કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થયો હતો. કોર્ટમાં ફાયરિંગ થવાની સાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક કોર્ટમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. દિલ્હી બાદ હવે પંજાબના લુધિયાણાની કોર્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દીવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ ત્રીજા માળે કોર્ટ નંબર 9ની પાસે થયો છે., બ્લાસ્ટના કારણે આખી ઈમારત ધ્રૂજી ગઈ હતી અને તેના કારણે પાર્કિંગમાં રહેલી કાર પણ નુકસાન થયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ ત્રીજા ફ્લોરના બાથરૂમમાં થયો છે. સૂત્રોએ જણાવ્યું કે, બાથરૂમમાં હજી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. શંકા છે કે આ મૃતદેહ આત્મઘાતી બોમ્બરનો છે. જોકે આ વિશે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી. બ્લાસ્ટની તપાસ માટે ચંદીગઢની ફોરેન્સિક ટીમ લુધિયાણા માટે રવાના થઈ ગઈ છે. આ બ્લાસ્ટ અંદાજે બપોરના સવા બાર વાગે થયો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોએ સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસ અને પ્રશાસન તરફથી હજી બ્લાસ્ટ વિશે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. હાલ કોર્ટમાં વકિલોની હડતાળ ચાલતી હોવાથી અહીં વધારે ભીડ ન હતી. અગ્રણી પોલીસ અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ અને બોમ્બ ડિફ્યૂઝ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કોર્ટ પરિસરને ચારેય બાજુથી કોર્ડન કરી લીઘી છે.
શહેરમાં હાઈએલર્ટ જાહેર કરીને નાકાબંધી કરી દેવામાં આવી છે. શહેરમાં એલર્ટ એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે કારણકે આજે અહીં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની એક જનસભા સંબોધવાના હતા. અમુક લોકોનું કહેવું છે કે, કોર્ટની કેન્ટિનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે બાથરૂમમાં સિલિન્ડર ક્યાંથી પહોંચ્યો અને ત્યા આ બ્લાસ્ટ કેવી રીતે થયો?