RBIએ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો
હોમ લોન મોંઘી થશે, EMI પણ વધશે
નિર્ણય પછી સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ-કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે, એટલે કે હવે રેપો રેટ 0.4 ટકા થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માગને જોતાં આરબીઆઈ પોતાનું અકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી દીધો છે. આ નિર્ણય બાદ સેન્સેક્સમાં 1182 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. છેલ્લાં બે વર્ષથી આરબીઆઈએ તેની ઉદાર નીતિને યથાવત્ રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકમાં પોલિસી રેટને યથાવત્ રાખવામાં આવ્યો હતો. હાલ આ મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ એમપીસીએ રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત્ રાખ્યો હતો.
આરબીઆઈએ એમપીસીની બેઠક પછી મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી ઝડપથી વધીને 7 ટકાએ પહોચી. ખાસ કરીને ખાવા-પીવાની ચીજોની મોંઘવારીને કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન એટલે રિટેલ મોંઘવારી ઝડપથી વધી છે. આ સિવાય જિયોપોલિટિકલ ટેન્શને પણ મોંઘવારીને વધારી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉં સહિત ઘણાં અનાજોના ભાવ વધી ગયા છે. આ તણાવથી ગ્લોબલ સપ્લાય ચેન પર ખરાબ અસર પડી છે.રિઝર્વ બેન્કે રેપો રેટની સાથે કેશ રિઝર્વ રેશિયો (CRR) પણ 0.50 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ગર્વનર દાસે જણાવ્યું કે, વ્યાજદર વધવાનો નિર્ણય મધ્ય ગાળામાં ઈકોનોમિક ગ્રોથના પ્રોસ્પેક્ટને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે, ગ્લોબલ ઈકોનોમિક રિકવરી હવે સુસ્ત થવા લાગી છે. રિઝર્વ બેન્ક એમપીસીએ રેપો રેટ વધારવા સિવાય એકમોડેટિવ મોનીટરી પોલિસી સ્ટાન્સ જાળવી રાખવાનો નિર્ણય પણ કર્યો છે.જોકે રેપો રેટ વધવાના કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરતા સામાન્ય લોકોને હવે ઈએમઆઈ વધતા વધારાનો બોજ સહન કરવો પડશે. સેન્ટ્રલ બેન્કના આ નિર્ણય પછી હોમ લોન અને કાર લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી થશે,
પરિણામે ઈએમઆઈની રકમ વધી જશે.નોંધનીય છે કે, આ પહેલાં 8 એપ્રિલે નાણાકિય વર્ષ 2022-23 માટે રિઝર્વ બેન્કની પહેલી મોનીટરી પોલિસી રિવ્યુ મીટિંગ થઈ હતી. તે સમયે રિઝર્વ બેન્કે રેકોર્ડ 11મી બેઠકમાં પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત રાખ્યા હતા. જોકે એ બેઠકમાં હવે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવશે તેવા સંકેત પણ આપવામાં આવ્યા છે. તે સમયે આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, મોંઘવારી કોઈ મોટું રિસ્ક નથી. કેન્દ્રીય બેન્કનું ઈકોનોમિક્સ ગ્રોથ પર ફોક્સ છે.નાણાકિય વર્ષમાં મોંઘવારીનું પ્રેશર રહેવાની આશંકા છે. RBIના જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં મોંઘવારી દર 5.7% રહેવાનો અંદાજ છે. શક્તિકાંત દાસે ગયા મહિને જણાવ્યું હતું કે, મોંઘવારી દર પહેલાં ત્રિમાસીકમાં 6.3%, બીજા ત્રિમાસીક ગાળામાં 5%, ત્રીજા ત્રિમાસીક ગાળામાં 5.4 અને ચોથા ત્રિમાસીક ગાળામાં 5.1% રહેવાનો અંદાજ છે.