બે વર્ષ બાદ બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
યાત્રાળુઓ માટે ઠેર ઠેર ભંડારા થયા શરૂ
યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવાયો
બે વર્ષના ગાળા બાદ આ વર્ષે અમરનાથ યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતીઓ સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બાલતાલ પહોંચી ચૂક્યા છે. યાત્રાના પ્રારંભ પૂર્વે બાલતાલ પહોંચેલા ગુજરાતી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ બાલતાલ સુધી પહોંચી ગયા છે. ગુજરાતી યાત્રીઓ ભોળાનાથનાં દર્શન માટે ખૂબ આતુર જોવા મળ્યા હતા.
અમરનાથ યાત્રા શરૂ કરવા માટે ગુજરાત સહિત દેશભરના યાત્રીઓ બાલતાલ બેઝ કેમ્પ પર પહોંચી ચૂક્યા છે અને યાત્રાની શરૂઆત કરી છે. યાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ભંડારાઓ ધમધમતા થયા છે, જેમાં જમવા, રહેવા અને મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમરનાથ યાત્રા પર હંમેશાં આતંકી હુમલાનો ખતરો મંડરાયેલો રહે છે. આ ખતરાને ખાળવા માટે દર વર્ષે અહીં ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ વર્ષે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
આર્મી: સેના પર્વતો પર તહેનાત છે, કારણ કે ઘૂસણખોરી સરહદ પારથી થઈ શકે છે.
સીઆરપીએફ: મોટા ભાગના જવાન સીઆરપીએફમાંથી જ મુસાફરીમાં તહેનાત હોય છે. તેઓ સામાન્ય શ્રદ્ધાળુઓમાં હશે અને બેઝ કેમ્પથી પગપાળા જવાના રસ્તાનું રક્ષણ કરશે.
BSF: BSFની મુખ્ય જવાબદારી સરહદ પારથી થતી ઘૂસણખોરી પર નજર રાખવાની રહેશે. સાથે જ સીઆરપીએફની સાથે બીએસએફના જવાનો પણ સુરક્ષામાં તૈયાર રહેશે. કેમ્પની આસપાસ અને રોડ ઓપનિંગ પાર્ટી એટલે કે આરઓપીના રૂપમાં પણ સુરક્ષા આપવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીર પોલીસઃ માત્ર પોલીસને જ સ્થાનિક ઈનપુટ મળી રહ્યા છે. સમગ્ર સંકલનમાં સૌથી મોટી ભૂમિકા પોલીસની હોય છે. માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અન્ય એજન્સીઓ સાથે મળીને સુરક્ષા યોજનાને આખરી ઓપ આપી રહ્યા છે.
ITBP: ITBPની સાથે SSBના જવાનોને પણ ફરજ પર મૂકવામાં આવ્યા છે. તેમને ખાસ કરીને માર્ગ સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.