વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન ક્રેશ થયું
દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી
સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે
રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે.
ઘટનાના કેટલાંક વીડિયો સામે આવ્યા છે, જેમાં દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી. જમીન પર એક પાઇલટની બોડી પણ જોવા મળી રહી છે. તેમનું શરીર બળી ગયું છે. નજીકમાં જ તેનો મોબાઈલ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.
વિમાન લગભગ સાડા 8 વાગ્યે ક્રેશ થયું હતું. વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાએ રેગ્યુલર ઉડાન માટે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી ટેકઓફ કર્યું હતું. દુર્ઘટનાની જગ્યા જેસલમેરથી લગભગ 70 કિલોમીટર દૂર છે. ગ્રામીણોના જણાવ્યા મુજબ વિમાનમાં હવામાં જ આગ લાગી ગઈ હતી. જે બાદ તે વિસ્ફોટ સાથે જમીન પર પડ્યું હતું.
આ પહેલાં ઓગસ્ટ 2021માં બાડમેરમાં એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. આ ફાઈટર જેટ ટ્રેનિંગ ઉડાન પર હતું. ટેકઓફ બાદ તેમાં ટેકનિકલ ખરાબીને કારણે પ્લેન એક ઝુંપડા પર પડ્યું હતું. પ્લેન ક્રેશ થવાને કારણે પાઇલટે પોતાને ઈજેક્ટ કરી લીધો હતો.
ગત વર્ષે 24 ડિસેમ્બરે ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ફાઈટર પ્લેન રાજસ્થાનના જેસલમેર પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત નિપજ્યું હતું. જે જગ્યાએ જેટ પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં છે અને પાકિસ્તાન બોર્ડરની નજીક છે. આ એરિયા આર્મીના કંટ્રોલમાં છે. તેથી ત્યાં કોઈને જવાની મંજૂરી નથી.
રશિયા અને ચીન બાદ ભારત મિગ-21નું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઓપરેટર છે. વર્ષ 1964માં આ વિમાનને સૌ પ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ તરીકે એરફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવ્યો હતો. શરૂઆતી જેટ રશિયામાં તૈયાર થયા હતા અને ત્યારબાદ ભારતમાં આ વિમાનોને એસેમ્બલ કરવાના અધિકાર અને ટેકનોલોજી પણ હાંસલ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં મિગ-21એ વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, વર્ષ 1999ના કારગીલ યુદ્ધ સહિત અનેક મોરચે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. રશિયાએ તો વર્ષ 1985માં આ વિમાનનું ઉત્પાદન જ બંધ કરી દીધુ હતું, જોકે ભારત તેના અપગ્રેડેડ વેરિએન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.