ભારતીય વાયુસેના (IAF) ના સોવિયેત સમયના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32ને હવે યુરોપિયન કંપની એરબસના C-295 એરક્રાફ્ટ દ્વારા બદલવામાં આવશે. જોકે, આ એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય વાયુસેના તેના પરિવહન કાફલાને આધુનિક બનાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત આ મહત્વપૂર્ણ ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, C-295 માધ્યમ પરિવહન વિમાન ભારતમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને યુરોપિયન ફર્મ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતના આ પ્લાન્ટમાં દેશનું પ્રથમ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે.
C-295 પર સર્વસંમતિ સધાઈ રહી છે
એરફોર્સના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એરફોર્સના આ પગલાને 1960માં ટ્રાન્સપોર્ટ ફ્લીટમાં સામેલ કરાયેલા એવરો-748 એરક્રાફ્ટના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. સાથે જ અધિકારીઓનું એમ પણ કહેવું છે કે AN-32ની જગ્યાએ C-295 એરક્રાફ્ટ પર સહમતિ બનાવવામાં આવી રહી છે.
એરફોર્સ 90 AN-32 ચલાવે છે
ભારતીય વાયુસેના હાલમાં 90 AN-32 એરક્રાફ્ટ ચલાવે છે. આ વિમાન લદ્દાખ અને પૂર્વોત્તર સહિત દેશના ઘણા ભાગોમાં તૈનાત સૈનિકોની મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. એરફોર્સના અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે C-295 એરક્રાફ્ટ AN-32ની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે અને તે વધુ સારું રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે.
ભારતનો હિસ્સો 96 ટકા રહેશે
ગયા વર્ષે સપ્ટેમ્બર 2021માં ભારતીય વાયુસેનાએ યુરોપની એરબસ સાથે જોડાણ કર્યું હતું. આ કરાર હેઠળ ટાટા કંપની સાથે મળીને ભારતમાં 40 એરક્રાફ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનના નિર્માણમાં ભારતની 96 ભાગીદારી હશે.
પુરવઠો 2026 થી 31 સુધી રહેશે
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં બનેલા આ એરક્રાફ્ટની ડિલિવરી 2026 થી 2031 વચ્ચે કરવામાં આવશે. જ્યારે પ્રથમ 16 એરક્રાફ્ટ 2023 થી 2025 ની વચ્ચે આવશે. ડીલ પૂર્ણ થયા બાદ ભારતીય વાયુસેના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું સૌથી મોટું ઓપરેટર બની જશે.