ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ખરાબ સમાચાર છે. માર્ક ઝૂકરબર્ગની કંપનીનો દાવો છે કે તેઓ પોતાના ત્યાં કામ કરતા હજારો કર્મચારીઓને આ અઠવાડિયાથી છૂટા કરવાનું શરૂ કરશે. આ પહેલા એલન મસ્કે ટ્વિટર કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ છૂટા કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્વિટર બાદ હવે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં સામૂહિક છટણીના સમાચાર આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ માર્ક ઝૂકરબર્ગની કંપની આ અઠવાડિયે મોટા પાયે છટણી કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, બુધવારે એટલે કે 9 નવેમ્બરથી મેટામાં સામૂહિક છટણીની પ્રક્રિયા શરૂ થશે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના હજારો કર્મચારીઓ છટણીની આ પ્રક્રિયાના કાર્યક્ષેત્રમાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે મેટા (ફેસબુક)ના ઇતિહાસમાં આ છટણી પહેલીવાર થશે. સપ્ટેમ્બરના અંતે કંપનીએ કહ્યું હતું કે, કુલ 87,000 કર્મચારીઓ મેટામાં કામ કરે છે.
ફેસબુકની પેરન્ટ કંપની મેટાના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 73 ટકાનો ઘટાડો થયો છે. એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોની યાદીમાં સામેલ થવા માટે કંપનીના શેર 2016ના સૌથી નીચલા સ્તરથી નીચે પહોંચી ગયા છે. મેટાના શેરની કિંમતમાં આ વર્ષે લગભગ 67 અબજ ડોલરનો ઘટાડો થયો છે, તે કંપની માટે કોઈ ઝટકાથી ઓછું નથી.
અત્યાર સુધી કંપની તરફથી મેટામાં છટણીના અહેવાલો અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, આ છટણી મોટા પાયે થશે તેવું જાણકારો માની રહ્યા છે. કંપનીના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની યોજના છે, હવે તેનો અમલ થવાનો બાકી છે.
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝૂકરબર્ગે પહેલેથી જ કહ્યું હતું કે એવી આશા છે કે મેટાવર્સમાં કરવામાં આવેલા રોકાણના પરીણામ મેળવવા માટે તેમને એક દાયકો એટલે કે લગભગ 10 વર્ષ લાગી શકે છે. ત્યાં સુધી તેઓએ ભરતી બંધ કરવા, નવા પ્રોજેક્ટ્સ બંધ કરવા અને ખર્ચ ઘટાડવા માટે ટીમોની ઓળખ કરવાની જરૂર રહેશે.