આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ PM વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આથી ગોપાલ ઈટાલિયા આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. જે બાદ વાત વહેતી થઈ હતી કે ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે.
પણ દિલ્હી પોલીસ દ્વારા મોટો ખુલાસો કરતાં જણાવાયુ હતું કે ટાલિયા સામે કોઈ FIR દાખલ કરી નથી, આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે, થોડીવારમાં જવા માટે મંજૂરી આપીશુ. વધુમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે કેટલીક જાણકારી માટે પોલીસ સ્ટેશન લવાયા હતા. જે બાદ હાલ મળતી માહિતી આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે છોડી મૂક્યા છે.
નોંધનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે, આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે, પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગાજતા માહોલ વચ્ચે તાજેતરમાં AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેને ભારે ચર્ચા જગાવી હતી. આ વીડિયોમાં ગોપાલ ઈટાલીયા PM મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું હતું. જે વીડિયોને લઈને NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી.
આથી ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા આજે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ એ પહેલા જ તેઓની પૂછપરછ માટે અટક કરવામાં આવી હતી. જે બાદ ગુરુવારની સાંજે તેમને દિલ્હી પોલીસે મુક્ત કરી દીધા છે.
ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ આખી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે, પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આખી ભાજપ ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ ટ્વિટ કરી રહ્યાં છે.