અમરાવતી હત્યાકાંડની તપાસ કરશે NIA
ગૃહમંત્રી અમિત શાહે તપાસના આપ્યા નિર્દેશ
અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરી દેવામાં આવી હતી
મહારાષ્ટ્રના અમરાવતીમાં દુકાનદારની હત્યાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલામાં નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરી દેવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે ઉમેશની હત્યા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવાના વિરોધમાં કરવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના 21 જૂનના રોજ રાતે 10 થી સાડા દસ વાગ્યાની વચ્ચે થઈ હતી. તે સમયે ઉમેશ કોલ્હે તેમની દુકાન અમિત મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન 27 વર્ષનો સંકેત અને તેમની પત્ની વૈષ્ણવી તેમની સાથે બીજા સ્કૂટર પર હતા. ફરિયાદમાં સંકેતે જણાવ્યું છે કે અમે પ્રભાત ચોકથી જઈ રહ્યા હતા અને અમારું સ્કૂટર મહિલા કોલેજ ન્યૂ હાઈ સ્કૂલના ગેટ પર પહોંચ્યું જ હતું કે મોટરસાઈકલ પર સવાર બે લોકો અચાનક મારા પિતાની સ્કૂટી સામે આવી ગયા.
સંકેતે પોલીસને જણાવ્યું છે કે તેમણે મારા પિતાની બાઈક રોકી અને તેમાંથી એકે તેમના ગળે ચાકૂથી વાર કર્યો. ત્યારબાદ મારા પિતા પડી ગયા અને તેમના શરીરમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું. મે મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. અચાનક અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરબાઈકથી ભાગી ગયા. આસપાસના લોકોની મદદથી ઉમેશ કોલ્હેને નજીકની એક્સન હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.
અમરાવતી શહેર પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પાસેથી જાણકારી મળી છે કે તેમણે એક અન્ય આરોપીની મદદ માંગી જેણે તેમને એક કાર અને ભાગવા માટે 10,000 રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલે જણાવ્યું છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉમેશ કોલ્હેએ વોટ્સએપ પર નુપુર શર્માનું સમર્થન કરતી એક સોશિયલ મીડિયા પોસ્ટ ફોરવર્ડ કરી હતી. ભૂલથી તેમણે તે પોસ્ટ મુસ્લિમ સભ્યોવાળા એક ગ્રુપમાં પણ શેર કરી દીધી. તે ગ્રુપમાં ઉમેશના ગ્રાહકો પણ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક જણે કહ્યું કે આ પયગંબરનું અપમાન છે અને આથી તેણે મરવું જોઈએ.