સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ પરિવાર અમિત શાહને મળશે
સિદ્ધૂની હત્યા બાદ પંજાબનું રાજકારણ ગરમાયું
ભગવંત માનની સરકારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે
સિદ્ધૂ મૂસેવાલાની પંજાબના માનસામાં થયેલી હત્યા બાદ પંજાબમાં રાજકારણ ગરમાયું છે. સિદ્ધૂને મળતી સતત ધમકીઓ વચ્ચે તેમની સુરક્ષા ઘટાડી દીધા બાદ હત્યાને કારણે પંજાબની માન સરકારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધૂ મૂસેવાલાના પરિજનોએ સિદ્ધૂની હત્યાની સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ચંડીગઢ અને પંચકુલાની મુલાકાત લેવાના છે. ત્યારે સિદ્ધૂ મૂસેવાલાનો પરિવાર તેમને મળી શકે છે. મૂસેવાલાના પિતા ગૃહ મંત્રી અમિત શાહને મળીને સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની સીબીઆઈ તપાસની માગ કરી શકે છે.
શુક્રવારે પંજાબના સીએમ ભગવંત માને સિદ્ધૂ મૂસેવાલાના ઘરે જઈ મૂસેવાલાના પરિવારની મુલાકાત લીધી હતી. તેણે મુસેવાલાના પરિવારને ટૂંક સમયમાં હત્યારાઓની ધરપકડ કરવાનું વચન આપ્યું હતું. હકીકતમાં, રવિવારે 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની હત્યારાઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પંજાબ સરકારે 424 થી વધુ VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી અથવા ઘટાડી હતી. એક દિવસ બાદ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.
જેના કારણે પંજાબ સરકારની ટીકા થઈ રહી છે. ભગવંત માનને પણ મૂસેવાલાના ઘરની બહાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે ભગવંત માને મૂસેવાલાના પરિવારના સભ્યો સાથે લગભગ એક કલાક વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે પંજાબી ગાયકની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો. આ પછી, સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીએ મૂસેવાલાના પરિવારને આશ્વાસન આપ્યું છે કે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. પોલીસ ટૂંક સમયમાં આ હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને પકડી લેશે.