વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં પીએમએ કહ્યું કે બંને દેશોએ સીમા પાર આતંકવાદી ઘટનાઓને ખતમ કરવા અને વેપાર વધારવા પર ભાર મૂક્યો. આ સાથે પીએમએ રશિયા-યુક્રેન યુદ્ધ વિશે પણ વાત કરી અને કહ્યું કે બંને દેશોની સહમતિ છે કે આ યુદ્ધ જલ્દી ખતમ થવુ જોઈએ.
એક ટ્વિટમાં, વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીતનું ધ્યાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, હરિયાળી અને ટકાઉ વિકાસ ભાગીદારી અને આર્થિક સંબંધો અને સંરક્ષણ ક્ષેત્રે ગાઢ સંબંધો બાંધવા પર હતું.
જણાવી દઈએ કે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર એક વર્ષના ગાળામાં ચોથી વખત મુલાકાત કરી રહ્યા છે. પીએમ મોદી અને સ્કોલ્ઝ બંને બાજુના સીઈઓ અને બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીત કરશે. ઓલાફ સ્કોલ્ઝ ભારતની બે દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તાવાળું વેપારી પ્રતિનિધિમંડળ પણ છે.