પોરસ લેબોરેટ્રિઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી અચાનક ગેસ લીક થયો
30 મહિલાઓમાંથી ચાર મહિલાઓ ઘટનાસ્થળ પર બેભાન થઈ ગઈ હતી
કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી
આજે વિશાખાપટ્ટમના અચુતાપુરમમાં પોરસ લેબોરેટ્રિઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી અચાનક ગેસ લીક થયો જેના કારણે લગભગ 30 મહિલા કર્મચારીઓ બિમાર થઈ ગઈ હતી. બિમાર મહિલાઓને તુરંત નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવી હતી. જો કે,ત્યાંની પોલીસનું કહેવુ છે કે, ગેસ લીક થવાના કારણે બિમાર થયેલી મહિલાઓની હાલત સ્થિર છે. ગેસ લીક મામલે તપાસ થઈ રહી છે. શરૂઆતી જાણકારી અનુસાર પોરસ લેબોરેટ્રિઝમાં ગેસ લીક થવાના કારણે બિમાર થયેલી 30 મહિલાઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, તેમાં ચાર મહિલાઓ એવી હતી, જે ઘટનાસ્થળ પર બેભાન થઈ ગઈ હતી.
વિશાખાપટ્ટનમના એસપી ગૌતમી સાલીએ ગેસ લીકની ઘટના વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના અચુતાપુરમમાં પોરસ લૈબોરેટ્રિઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ લીક થતાં 30 જેટલી મહિલાઓ બિમાર થઈ ગઈ હતી. હાલમાં તમામ મહિલાઓની હાલત સ્થિર છે. હાલમાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એસપી ગૌતમી સાલીએ જણાવ્યું હતું કે, પોરસ નામની એક પશુ ચિકિત્સા કંપની છે. તેની એકદમ નજીકમાં બ્રેંડિક્સ નામની કાપડની મીલ આવેલી છે. આ કંપની 1000 એકર જમીનમાં ફેલાયેલી છે. આ પરિસરની અંદર સીડ્સ અપૈરલ ઈંડિયા નામની બીજી એક કંપની પણ આવેલી છે.
એસપીએ જણાવ્યું હતું કે, અહીં એક શિફ્ટમાં 1800 લોકો કામ કરે છે. પોરસ કંપનીના સ્ક્રબર વિસ્તારમાં ગેસ લીકની ઘટના થઈ હતી, તેના કારણે બાજૂમાં આવેલી કંપનીમાં અમોનિયા ગેસ લીક થયો, તેમણે આગળ જણાવ્યું કે, સીડ્સ અપૈરલ હોલની અંદર રહેલા કર્મચારીઓએ ઉલ્ટી થવાની ફરિયાદ કરી હતી, જે બાદ તેમને ફટાફટ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. સ્ટાફને કંપનીમાંથી બહાર કાઢી લેવામા આવ્યા છે. આ ઘટના બપોરે 12.30 કલાકે સામે આવી છે. લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.