આસામના જોરહાટ જિલ્લાના એક બજારમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછી 150 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે જોરહાટ શહેરમાં સ્થિત ચોક બજારમાં આગ પર કાબૂ મેળવવા માટે 25 ફાયર એન્જિન કામે લાગ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાની આશંકા છે.
અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી કારણ કે તમામ દુકાનો બંધ હતી અને માલિકો અને કર્મચારીઓ તેમના ઘરો તરફ રવાના થઈ ગયા હતા, પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આગમાં નાશ પામેલી મોટાભાગની દુકાનો કપડાં અને કરિયાણાની હતી.
ANIના અહેવાલ મુજબ, જોરહાટ જિલ્લાના પોલીસ અધિક્ષક મોહન લાલ મીનાએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા કે મૃત્યુ થયાની કોઈ માહિતી મળી નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે નુકસાનના આંકડા વિશે કંઈ કહી શકતા નથી.
જો કે, જોરહાટ એસપીએ જણાવ્યું કે 100 થી વધુ દુકાનોને નુકસાન થયું છે કારણ કે જ્યાં આગ લાગી તે વિસ્તાર કોમર્શિયલ વિસ્તાર છે. તેમણે કહ્યું કે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. એસપીએ કહ્યું કે અમને શંકા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.