ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. આ ફોન 9.20 કલાકે આવ્યો હતો. હાલમાં ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, જયપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. એર ટ્રાફિક કંટ્રોલને આ સૂચના ફ્લાઈટમાંથી મળી હતી.
જે બાદ તમામ એજન્સીઓને આ જાણકારી આપવામાં આવી હતી. હાલમાં આ ફ્લાઈટ ક્યાં છે, તેની કોઈ જાણકારી નથી, તેના વિશે દિલ્હી ફાયર વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને બાકીની એજન્સીઓ પણ તપાસમાં લાગી ગઈ છે. આ જાણકારી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
જ્યારે જયપુરથી મળી રહેલી વિગતો અનુસાર, તેહરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળતા વિદેશી ફ્લાઈટે ઈમરજન્સી લેન્ડીંગ માટે મંજૂરી માગી હતી. પણ જયપુરમાં ઈમરજન્સી લેન્ડીંગની મંજૂરી આપવામાં આવી નહોતી. તેની સાથે જ દિલ્હી એટીએસથી પણ ઈમરજન્સી લેન્ડીંગની મંજૂરી માગી હતી. કહેવાય છે કે, બોમ્બના ખતરો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેની સાથે જ હવે ફ્લાઈટનો રુટ દિલ્હી તરફ ડાયવર્ટ કરવાની સૂચના મળી છે.
જ્યારે ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચારમાં કહેવાયુ છે કે, ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઈરાની પેસેન્જર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ત્યાર બાદ ઈંડિયન એરફોર્સને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને કેટલાય IAF જેટ્સે ઉડાન ભરી છે. પેસેન્જર વિમાન હવે ચીન તરફ આગળ વધી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ વિમાનની દેખરેખ રાખી રહી છે.