કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ કોરોનાથી સાજા થયાના 24 મહિના પછી પણ સંપૂર્ણ ફિટ નથી થઈ શક્યા. આ લોકો માત્ર 400થી 500 મીટર ચાલ્યા પછી એટલો થાક અનુભવે છે જેટલો બે વર્ષ પહેલા તેઓ બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ પોસ્ટ કોવિડની સ્થિતિને લઈને એક સર્વે દ્વારા ક્લિનિકલ અધ્યયન પૂર્ણ કર્યું છે, જેને ડોવપ્રેસ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ અધ્યયનમાં ડોક્ટરોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત દેશના અલગ-અલગ ભાગોમાંથી દર્દીઓને પસંદ કર્યા અને તેમની દૈનિક દિનચર્યા વિશે વાતચીત કરી તો જાણવા મળ્યું કે 2020 અને 2021 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તેઓ કોરોનાથી તો સાજા થઈ ગયા છે પરંતુ હજુ પણ તેમના માટે આઠ કલાકની નોકરી કરવી ઘણી મુશ્કેલ છે.
AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ આ અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી 1800થી વધુ દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. આ દર્દીઓનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની વર્તમાન દિનચર્યા વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
તેમાં 79.3 ટકા લોકોને થાક, સાંધાનો દુખાવો (33.4%), સંધિવા (29.9%), વાળ ખરવા (28.0%), માથાનો દુખાવો (27.2%), શ્વાસ લેવામાં તકલીફ (25.3%) અને 25.30 ટકા લોકોએ આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા જણાવી છે.
AIIMSના તબીબોનું કહેવું છે કે, જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન તેમને ઘણી બધી એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન કરવું પડ્યું હતું.
અધ્યયન અનુસાર, પોસ્ટ કોવિડની વ્યાપકતા 12 અઠવાડિયામાં ઘટીને 12.8 ટકા નોંધવામાં આવી છે. મહિલા, વૃદ્ધાવસ્થા, ઓક્સિજન સપ્લીમેન્ટ્સ, ગંભીર બીમારીની ગંભીરતા અને પહેલાથી હાજર અન્ય બીમારીઓ પોસ્ટ કોવિડ સાથે જોડાયેલા કારણ છે.
અધ્યયનમાં એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે એન્ટિ-કોરોના રસીએ માત્ર લોકોમાં સંક્રમણ સામે રક્ષણ આપવા માટે પૂરતી એન્ટિબોડીઝ જ નથી વિકસાવી, પરંતુ જે લોકોમાં પોસ્ટ કોવિડની આશંકા હતી તેમાંથી 39 ટકા લોકોમાં રસીના કારણે લક્ષણો હાવી ન થઈ શક્યા અને આ લોકો પોસ્ટ કોવિડની સ્થિતિમાં આવવાથી બચી ગયા હતા.