આજે ભારતે અવકાશમાં એક નવા યુગની શરૂઆત કરી છે. 18 નવેમ્બરનો દિવસ ભારત માટે ઐતિહાસિક અવસર બન્યો છે. દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. 3 પેલોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ ( Vikram-S ) રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર ચંદનાએ જણાવ્યું કે, રોકેટનું નામ વિક્રમ-એસ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યું છે. સ્કાયરૂટ કંપનીના મિશન લૉન્ચના મિશન પેચનું અનાવરણ ઈસરોના ચીફ ડૉ. એસ. સોમનાથે કર્યું હતું.
આ ઉપરાંત ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે આ ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે એક મોટી છલાંગ છે. આ સાથે જ એમને સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત થનાર પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ કરશે. તે સિંગલ સ્ટેજ સબ-ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે તેની સાથે ત્રણ કોમર્શિયલ પેલોડ વહન કરે છે.
આ એક પ્રકારની ટેસ્ટ ફ્લાઈટ હશે. જો તે સફળ થશે તો ખાનગી સ્પેસ કંપની રોકેટ લોન્ચિંગના મામલામાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે.
આ રોકેટ દ્વારા પૃથ્વીની નિશ્ચિત ભ્રમણકક્ષામાં નાના ઉપગ્રહો સ્થાપિત કરવામાં આવશે.
Skyroot Aerospace એ 25 નવેમ્બર 2021 ના રોજ નાગપુરમાં સોલર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરીક્ષણ સુવિધા ખાતે તેના પ્રથમ 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
સ્કાયરૂટ એરોસ્પેસના બિઝનેસ ડેવલપમેન્ટના વડા શિરીષ પલ્લીકોંડાએ જણાવ્યું કે 3D ક્રાયોજેનિક એન્જિન સામાન્ય ક્રાયોજેનિક એન્જિન કરતાં વધુ વિશ્વસનીય છે. તેમજ તે 30 થી 40 ટકા સસ્તું છે.
સસ્તા લોન્ચિંગનું કારણ તેના ઈંધણમાં ફેરફાર પણ છે. આ લોન્ચિંગમાં સામાન્ય ઈંધણને બદલે એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સિજન (LoX)નો ઉપયોગ કરવામાં આવશે. તે આર્થિક તેમજ પ્રદૂષણ મુક્ત છે.
આ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કરનારી ટીમનું નામ લિક્વિડ ટીમ છે. જેમાં 15 જેટલા યુવા વૈજ્ઞાનિકોએ સેવા આપી છે.