પોલીસે કહ્યું હતું, કેકે સતત એન્ટાસિડની દવાઓ લેતા હતા
સિંગરના હૃદયની ચારેબાજુ ચરબીનું સફેદ પડ જામી ગયું હતું
પોલીસના મતે કેકે રોજ દવા લેતા હતા
53 વર્ષીય સિંગર કેકેના આકસ્મિક મોતથી માત્ર પરિવાર જ નહીં ચાહકો ને સેલેબ્સ પણ આઘાતમાં છે. ત્યારે આજે કેકેનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે અને તેમાં ઘણાં મહત્ત્વના ઘટસ્ફોટ સામે આવ્યા છે. કેકેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા વિસેરા રિપોર્ટને હિસ્ટોપેથોલૉજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. એટોપ્સી રિપોર્ટ બાદ પોલીસે જણાવ્યુ હતું કે, ‘ડૉક્ટર્સે કહ્યું હતું હૃદયની ચારે બાજુ એક ચરબીનું લેયર જામી ગયું હતું. આ સ્તર સફેદ પડી ગયું હતું. આટલું જ નહીં હૃદયનો વાલ્વ પણ પૂરી રીતે સ્ટિફ થઈ ગયો હતો. હૃદયમાં સ્ટિફનેસ સમયની સાથે સાથે ડેવલપ થાય છે. આથી જ પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટને હિસ્ટોપેથોલૉજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને તે રિપોર્ટ બ્લોકેજને રિવીલ કરી શકે છે.વધુમાં પોલીસે કહ્યું હતું કે ગેસ્ટ્રિક તથા લીવરને લગતી 10 અલગ અલગ દવાઓ તથા વિટામિન C કેકેના શરીરમાં મલ્ટીપલ એન્ટાસિડ તથા સિરપની સાથે મળી આવી હતી. આ દવા એસિડિટી, પેટમાં બળતરા તથા ગેસમાં તરત જ રાહત આપે છે.
તેમના શરીરમાંથી જે દવાઓ મળી છે, તેમાંથી કેટલીક આયુર્વેદિક તથા હોમિયોપેથિક સામેલ છે.પોલીસ સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે કેકેના ચહેરા તથા માથામાં ઈજાના નિશાન હતા. સિંગરે હોટલના રૂમમાં સોફા પર બેસવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પડી ગયા હતાં. તેમને સોફાની કિનાર માથા તથા કોણીમાં વાગી હતી. આ કારણે શરીર પર ઉઝરડા પડી ગયા હતા. રૂમમાં કેકેને પડેલા જોઈને મેનેજરે ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઉભા થઈ શક્યા નહીં. મેનેજરે હોટલ સ્ટાફને બોલાવ્યો અને તરત જ CMRI હોસ્પિટલ લઈ ગયા હતા.આ સાથે જ પોસ્ટપોર્ટમ કરનાર ડૉક્ટરે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, કેકેની ડાબી કોરોનરી આર્ટરીમાં ઘણું જ બ્લોકેજ હતું. અન્ય આર્ટરી તથા સબ-આર્ટરીમાં પણ બ્લોકેજ હતું. લાઇવ શોમાં પર્ફોર્મ કરતી વખતે એક્સાઇટમેન્ટને કારણે આર્ટરીએ બ્લડ ફ્લો કરવાનું બંધ કરી દીધું હતું. આ જ કારણે કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. જો કેકેને સમયસર CPR આપવામાં આવ્યો હોત તો તેમનો જીવ બચી જાત. સિંગરને હાર્ટ સંબંધિત સમસ્યા લાંબા સમયથી હતી, પરંતુ કેકેને આ વાત ખબર જ નહોતી.’