કર્ણાટકના ચર્ચિત હિજાબ વિવાદ પર હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જોકે, ખંડપીઠમાં સમાવિષ્ટ બંને ન્યાયાધીશો જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાના અભિપ્રાય અલગ-અલગ હતા. જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજીઓને ફગાવી દેતા હિજાબ પરના પ્રતિબંધને યોગ્ય માન્યો હતો. જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર આવ્યો છે, જેમાં હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 10 દિવસની મેરેથોન સુનાવણી બાદ 22 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન અરજદારો તરફથી હાજર રહેલા કેટલાક વકીલોએ ભાર દઈને કહ્યું હતું કે, મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરતા અટકાવવાથી તેમનું શિક્ષણ જોખમમાં મૂકશે કારણ કે તેઓ વર્ગોમાં જવાનું બંધ કરી શકે છે. અરજદારોના વકીલોએ વિવિધ પાસાઓ પર દલીલ કરી હતી, જેમાં રાજ્ય સરકારના 5 ફેબ્રુઆરી, 2022ના રોજ શાળા અને કોલેજોમાં સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશનો સમાવેશ થાય છે.
કેટલાક વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે આ મામલાને પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચની પાસે મોકલવામાં આવે.
બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે કર્ણાટક સરકારનો આદેશ કે જેણે હિજાબને લઈને વિવાદ ઉભો કર્યો, તે “ધર્મ તટસ્થ” હતો.
વકીલે સુપ્રીમ કોર્ટમાં આ વાત પર ભાર મૂકતા દલીલ કરી હતી કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલું આંદોલન “સહજ કાર્ય” નહોતું. રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે કર્ણાટક સરકારનો આદેશ કોઈ ધર્મ વિશેષને લઈને જારી કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને લઈને ઘણો વિવાદ થયો હતો. રાજ્ય સરકારના નિર્ણય સામે કર્ણાટક હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. 15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ક્લાસરૂમની અંદર હિજાબ પરના પ્રતિબંધને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઇસ્લામિક આસ્થા અથવા ધાર્મિક પ્રથાનો ભાગ નથી. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.