ઓડિશાના કેન્દ્રપાડામાં એક વિસર્જન શોભાયાત્રામાં ફટાકડા સ્પર્ધા દરમિયાન મોટી આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કેન્દ્રપાડાના સદર પોલીસ સ્ટેશનના બલિયા બજારમાં વિસર્જન સરઘસમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો અને તે દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી. ફટાકડા ફોડવા દરમિયાન થયેલા વિસ્ફોટોમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કેન્દ્રપરાના જિલ્લા મેજિસ્ટ્રેટે આ માહિતી આપી છે.
ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લા મેજિસ્ટ્રેટ અમૃત ઋતુરાજે જણાવ્યું હતું કે, કેન્દ્રપાડાના સદર પોલીસ સ્ટેશનના બલિયા બજારમાં વિસર્જન સરઘસ દરમિયાન આતશબાજી થઈ હતી અને વિસ્ફોટોમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, તમામ ઘાયલોને કેન્દ્રપાડા જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સાથે ડેપ્યુટી ફાયર ઓફિસર સનાતન મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જાજપુરના ધનેશ્વર પાસે એક કબાટના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણની તપાસ કરવામાં આવશે.