- મુંબઈનાં તારદેવમાં આવેલ 20 માળની બિલ્ડીંગમાં લાગી આગ
- 7નાં મોત તો 19 લોકોને બચાવવામાં આવ્યા
- આગની ઝપેટમાં આવેલા 2 લોકોની હાલત ગંભીર
માયા નગરી મુંબઈમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. મુંબઈનાં તાડદેવ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કમલા સોસાયટી નામની રહેણાંક મકાનમાં બની હતી. હાલમાં ફાયર બ્રિગેડની 13 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો પણ શરૂ છે. આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકો આગમાં દાઝ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં આ તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યાં છે. હાલમાં રેસ્ક્યુ અભિયાન શરૂ છે. તાજેતરની મળતી જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત પણ નિપજ્યાં છે.
અગાઉ નૈયર હોસ્પિટલનાં ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘તેઓની હોસ્પિટલમાં 4 લોકોને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યાં છે. જેમાંથી 2નાં મોત થઇ ચૂક્યાં છે તો 2ની હાલત હાલમાં ગંભીર છે.’ મુંબઇની મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે, ‘હોસ્પિટલનાં લોકોએ દર્દીઓને ભરતી કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. અમે પહેલાં જાણીશું કે, આ લોકોએ આવું કેમ કર્યું અને આ વાતની જાણકારી તેઓ BMC ને પણ આપશે. અધિકારીઓનું કહેવું છે કે, આગ પર કાબુ મેળવવા અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ છે. આગની લપેટમાં સપડાયેલા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
જો કે તેઓની તબિયત હાલમાં કેવી છે તે અંગે કોઈ જ નક્કર માહિતી નથી. અધિકારીઓનું કહેવું છે કે, આગ કયા કારણોસર લાગી છે તે અંગે તાત્કાલિક કહેવું કંઈ પણ મુશ્કેલ છે. પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા નકારી શકાય એમ નથી. મુંબઈના મેયરે કહ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. બિલ્ડિંગનું ફાયર સેફ્ટી ઓડિટ થયું છે કે પછી તેમાં કોઈ બેદરકારી થઈ છે તે જોવામાં આવશે.