શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. RBI આ બેઠકમાં ફુગાવા પર લગામ લગાવવા અને અમેરિકી ડોલર સામે રૂપિયાના ઘટતા મૂલ્યને રોકવા માટે કેટલાક મહત્વના આકરા નિર્ણયો લીધા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની સમિતિ સતત ચોથી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. RBI દ્વારા રેપો રેટમાં 0.50 ટકા જેટલો વધારો કરવામાં આવતા નવો રેપો રેટ 5.90 ટકા પર પહોંચ્યો છે. તો એપ્રિલ 2019 બાદ રેપો રેટ તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે.
આરબીઆઈએ માર્ચ 2020 માં કોરોના મહામારી કારણે લાગેલા લોકડાઉનની અસરને ઘટાડવાના ઉદ્દેશ્યથી રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. આ પછી સ્થિતિ સામાન્ય થયા બાદ રેપો રેટને 4 મે, 2022 સુધી સ્થિર રાખવામાં આવ્યો હતો. જે બાદ સતત ચોથીવાર રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક બુધવારથી શરૂ થઈ હતી. સમિતિનો નિર્ણય આજે 30 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો.
સરકારે આરબીઆઈને ફુગાવાનો દર 2 ટકાની વધ-ઘટ સાથે 4 ટકા પર રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. જોકે, રિટેલ ફુગાવો જાન્યુઆરીથી આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. ફુગાવાના ઊંચા સ્તર વચ્ચે રુપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. યુએસ ડોલર સામે રૂપિયો હાલમાં 82 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારો કર્યા બાદ વિનિમય દરમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો છે.
નિષ્ણાતોના મતે સેન્ટ્રલ બેંક ફરી એકવાર કી પોલિસી રેટ રેપોમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે જેથી તે 5.9 ટકાની ત્રણ વર્ષની ટોચે લઈ જાય. હાલમાં તે 5.4 ટકા છે. આરબીઆઈએ મે મહિનાથી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમે જણાવ્યું હતું કે યુએસ સહિત અન્ય ઘણી સેન્ટ્રલ બેન્કોના વ્યાજદરમાં ઝડપી વધારા વચ્ચે આરબીઆઈ નીતિગત વ્યાજ દરોમાં ઓછામાં ઓછો 0.35 થી 0.50 ટકાનો વધારો કરી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જોકે, ભારતીય બજારોએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને રૂપિયાના બજારમાં, જેમાં આરબીઆઈના હસ્તક્ષેપને ટેકો આપવાનું સારું રહ્યું છે. ઓગસ્ટમાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારોમાં રૂ. 51,200 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1,386 કરોડના રોકાણ સાથે FPI ના પ્રવાહમાં ભારે અસ્થિરતા જોવા મળી છે.