- અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે એરફોર્સની ભરતીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા
- અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે 3 દિવસમાં 56960 અરજી
- 5 જુલાઈના રોજ રજીસ્ટ્રેશન બંધ થશે, 30 ડિસેમ્બરથી તાલીમ શરૂ
ભારતમાં એક બાજુ અગ્નિપથ યોજનાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે, જેમાંથી 25 ટકાને સામેલ કરવામાં આવશે.
ભારતીય વાયુસેના (IAF)એ કહ્યું કે, તેમને અગ્નિપથ યોજના હેઠળ 3000 અગ્નિવીરોની નિમણૂક માટે માત્ર ત્રણ દિવસમાં 56,960 અરજીઓ મળી છે. સ્કીમ સામે હિંસક વિરોધ થયાના એક સપ્તાહ બાદ શુક્રવારે નોંધણી શરૂ થઈ હતી.
એરફોર્સે રવિવારે ટ્વીટ કર્યું, 56960! અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયાના જવાબમાં આ વેબસાઇટ પર ફ્યુચર અગ્નિપથ તરફથી અત્યાર સુધી પ્રાપ્ત થયેલી અરજીઓની કુલ સંખ્યા છે. રજીસ્ટ્રેશન 5 જુલાઈના રોજ બંધ થશે. એરફોર્સ આ વર્ષે અગ્નિપથ યોજના હેઠળ 3,000 અગ્નિવીરોની ભરતી કરશે.
અગ્નિવીરોની તાલીમ 30 ડિસેમ્બરથી શરૂ થશે. દેશના ઘણા ભાગોમાં આ યોજનાનો હિંસક વિરોધ થયો હતો. સરકારે 16 જૂને વર્ષ 2022 માટે આ યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી. ઉપરાંત, બાદમાં તેમની નિવૃત્તિ પછી, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમોમાં તેમના માટે પસંદગી જેવા અનેક પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.