સહારાની ચિટ ફંડ યોજનાઓમાં પૈસા ફસાયેલા લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ રોકાણકારોને સેબી-સહારા ફંડમાંથી 5,000 કરોડ રૂપિયા છૂટા કરવાની મંજૂરી આપી છે. રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના અન્ય એક કેસમાં 2012માં બનાવવામાં આવેલા આ ફંડમાં લગભગ 24 હજાર કરોડ રૂપિયા જમા છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સરકારે કહ્યું હતું કે અનેક ચિટ ફંડ કંપનીઓ અને સહારા ક્રેડિટ ફર્મ્સમાં રોકાણ કરનારા થાપણદારોને તેમના પૈસા પરત કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટની અરજી સ્વીકાર્યા બાદ હવે કેન્દ્ર સરકાર કુલ 24000 કરોડના ફંડમાંથી 5000 કરોડ રોકાણકારોને ફાળવી શકશે. આ રકમથી 1.1 કરોડ રોકાણકારોના નાણાં ચૂકવી શકાશે.
જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે સહારા જૂથની સહકારી મંડળીઓ દ્વારા છેતરપિંડી કરાયેલા થાપણદારોને તેમના નાણાં પરત કરવામાં આવે.
તે જ સમયે, બેન્ચે એમ પણ કહ્યું કે સમગ્ર પ્રક્રિયા પર પૂર્વ હાઈકોર્ટના જજ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
સરકારે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાંથી ભંડોળ લેવાની માંગ કરી હતી
કેન્દ્ર સરકારે સેબી-સહારા રિફંડ એકાઉન્ટ નામના ફંડમાંથી રૂ. 5,000 કરોડની રકમ માંગી હતી.
જેની રચના ઓગસ્ટ 2012માં સર્વોચ્ચ અદાલતે સહારાની બે કંપનીઓ – સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (SHICL)ને નિર્દેશ આપ્યા બાદ કરવામાં આવી હતી.