અપના ઘર આશ્રમ’માં ફુડ પોઈઝનિંગની ઘટના
3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે
દૂષિત ખાવાનું અને પાણી પીવાથી આ ઘટના ઘટી છે
રાજસ્થાનના કોટા જિલ્લામાં એરોડ્રમ સર્કલ પર આવેલ પોલિટેક્નિકલ કોલેજની જૂની બિલ્ડીંગમાં ચાલતા ‘અપના ઘર આશ્રમ’માં ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અપના ઘર આશ્રમમાં ફુડ પોઈઝનિંગનો શિકાર થતાં 3 માનસિક રીતે પીડિત લોકોના મોત થઈ ગયા છે. શરૂઆતી જાણકારી અનુસાર કહેવાય છે કે, ફુડ પોઈઝનિંગના કારણે દૂષિત ખાવાનું અને પાણી પીવાથી આ ઘટના ઘટી છે. ઘટના બાદ તમામને એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તો વળી આશ્રમમાં રહેલા 270થી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
કલેક્ટરના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજની નવી હોસ્પિટલમાં 3 લોકોના સારવાર દરમિયાન મોત થઈ ગયા છે. મૃતકોમાં 40 વર્ષિય સુદેવી, 45 વર્ષિય મુન્ની અને 50 વર્ષિય દિલીપ સામેલ છે. તો વળી કોટાના સીએમએચઓ ડો. તંવરે જણાવ્યું છે કે, પ્રાથમિક તારણમાં એવું જાણવા મળે છે કે, દૂષિત પાણી પીવાથી આ લોકોના મોત થયા છે.
હાલમાં 15થી વધારે લોકો બિમાર છે. જેમને એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તો વળી ઘટનાની જાણકારી મળ્યા બાદ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ બુનકર અને સ્વાસ્થ્ય વિભાગના ટોપના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરે શરૂઆતી તપાસના આધારે જણાવ્યું હતું કે, બોરવેલના પાણીથી ફુડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે.તો વળી કલેક્ટરના આદેશ બાદ આશ્રમમાં ખાવા-પીવાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ થઈ રહી છે. કહેવાય છે કે, અપના ઘર આશ્રમ મનોજ જૈનનું ટ્રસ્ટ ચલાવે છે, જ્યાં ક્ષમતાથી વધારે લોકો રાખવાની વાત પણ સામે આવી છે.