- લગ્ન પ્રસંગમાં કૂવામાં પડી જતાં 13 લોકોના થયા મોત
- મૃતકોમાં 9 બાળકી પણ સામેલ છે
- પીઠી ચોળવાની વિધિ માટે કૂવા પર પૂજા વખતે બની ઘટના
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાતે હૃદય કંપાવનારી ઘટના બની છે. અહીં પીઠી ચોળવાની વિધિ દરમિયાન લગભગ 35 બાળકીઓ-મહિલાઓ કૂવામાં પડી ગઈ. તેમાંથી 9 બાળકી સહિત 13 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં છે. જાણકારી અનુસાર, પીઠી ચોળવાની વિધિ દરમિયાન તમામ કૂવાની જાળી બેસીને પૂજા કરી રહી હતી, ત્યારે જાળી તૂટી ગઈ અને બધા એમાં પડવા લાગ્યા. બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકોએ તેમને કૂવામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યુ. સ્થાનિક લોકોની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. ડોક્ટરોએ 13 લોકોને મૃત ઘોષિત કરી દીધા. ડૂબવાથી તમામનાં મોતની આશંકા વ્યક્ત કરાઈ છે. મૃતક બાળકીઓની વય 5થી 15 વર્ષ છે.
કૂવામાં હજુ અન્ય લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે. વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બચાવકાર્ય જારી છે. પરંતુ અંધારૂં હોવાના કારણે મુશ્કેલી પડી હતી. મૃતદેહોની ઓળખ કરાઈ રહી છે. સમગ્ર ઘટના નેબુઆ નૌરંગિયા વિસ્તારની છે. નૌરંગિયા સ્કૂલ ટોલાના રહેવાસી પરમેશ્વર કુશવાહાને ત્યાં ગુરૂવારે લગ્ન સમારંભ અંતર્ગત પીઠી ચોળવાની વિધિનો કાર્યક્રમ હતો. રાતે 10 વાગ્યા આસપાસ 50-60 મહિલાઓ અને બાળકીઓ ગામની વચ્ચે આવેલા જૂના કૂવા પાસે ઊભી હતી.
કૂવાને લોખંડની જાળીથી ઢાંકવામાં આવ્યો હતો. અનેક લોકો કૂવાની જાળી પર પણ ચઢી ગયા હતા. ત્યારે જ લોખંડની જાળી તૂટી ગઈ. કૂવાની આસપાસ ઊભેલી લગભગ 35 મહિલાઓ અને બાળકીઓ એકસાથે કૂવામાં પડી ગઈ અને પાણીમાં ડૂબવા લાગી. કોલાહલ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બચાવકાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું. 9 બાળકીઓ અને 4 મહિલાઓને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ પહેલા જ તેમનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં 20થી વધુને ઈજા પહોંચી છે.