ગણેશ વિસર્જન દરમ્યાન હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. જોકે આ દરમ્યાન અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં કેનાલમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત થયા છે. આ સાથે સોનીપત જિલ્લામાં, મૂર્તિ વિસર્જન દરમ્યાન બે યુવકો યમુના નદીમાં ધોવાઈ ગયા હતા. યુપીના ઉન્નાવ અને સંત કબીર નગરમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે.
હરિયાણાના મહેન્દ્રગઢમાં બનેલી ઘટના અંગે સિવિલ સર્જન ડૉ.અશોક કુમારે જણાવ્યું હતું કે, 4 લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મહેન્દ્રગઢમાં સાત ફૂટની મૂર્તિ વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી. આ દરમ્યાન પાણીના જોરદાર પ્રવાહમાં 9 યુવકો તણાઈ ગયા હતા. જિલ્લા પ્રશાસને NDRFની મદદ લીધી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમ્યાન ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ તરફ રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કર્યું, “મહેન્દ્રગઢ અને સોનીપત જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમ્યાન ડૂબી જવાથી ઘણા લોકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે. ખટ્ટરે ટ્વીટ કર્યું, “આ મુશ્કેલ સમયમાં અમે બધા મૃતકોના પરિવારજનો સાથે ઉભા છીએ. NDRFની ટીમે ઘણા લોકોને ડૂબતા બચાવ્યા છે, હું તેઓના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”
આ તરફ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં મૂર્તિ વિસર્જન જોવા ગયેલા ચાર બાળકોના અમી નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ઘટના ખલીલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુર કથાર ગામની છે. પોલીસે માછીમારોની મદદથી નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસ અધિક્ષક સોનમ કુમારે જણાવ્યું કે, ચાર બાળકો પૂફિયા (6), અજીત (6), રૂબી (8) અને દીપાલી (11) નિમજ્જન જોવા ગયા હતા.
આ સાથે યુપીના ઉન્નાવ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન ગંગા નદીમાં નહાવાને કારણે બે સગીર છોકરાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સફીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરિયાર ગામની છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (સદર) અંકિત શુક્લાએ જણાવ્યું હતું કે, નદીમાં ગયેલા માખી ગામના સગીર સહિત પાંચ લોકો જોરદાર કરંટથી વહી ગયા હતા. ત્યાં હાજર લોકોએ તેમને બચાવ્યા, પરંતુ બે લવકેશ સિંહ (18), પ્રશાંત સિંહ (16)નું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે અન્ય એક છોકરા વિશાલ (15)નું હોસ્પિટલમાં મોત થયું. અન્ય બેની હાલત સ્થિર છે.”