ગ્રૂમિંગ પુરુષો માટે પણ જરૂરી છે
સનસ્ક્રીન કમ્પ્યુટરમાંથી નીકળતી યુવી લાઇટ્સ સામે પણ પ્રોટેક્શન આપે છે
બિયર્ડ ઑઇલ દાઢીના વાળને સૉફ્ટ બનાવે છે
ગ્રૂમિંગ પુરુષો માટે પણ એટલું જ જરૂરી છે જેટલું સ્ત્રીઓ માટે. ખરી વાત કરીએ તો સુઘડ રહેવું કોને ન ગમે? સુઘડ ન હોય એવા પુરુષો કોઈને ન ગમે. હેરસ્ટાઇલથી લઈને બિયર્ડનો શેપ, કેવાં કપડાં પહેરો છો, પોતાને કઈ રીતે કૅરી કરો છો આ બધી જ બાબતો મહત્ત્વની છે. જોકે પુરુષો આ બાબતોને મોટા ભાગે મહત્ત્વ નથી આપતા. તેમના માટે જાહેરાતોમાં દેખાડવામાં આવતી કેટલીક મેલ ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ નકામી હોય છે. તેઓ ફેસવૉશ અને શૅમ્પૂ પણ મમ્મી, બહેન કે વાઇફનું વાપરી લેવામાં માને છે. જોકે બધી જ ચીજો નકામી નથી. જાણી લો એવી કેટલીક પ્રોડક્ટ્સ વિશે જે ગ્રૂમિંગમાં જરૂરી છે.
ફેસવૉશ અને શૅમ્પૂ | સાબુથી ચહેરો ધોશો તો એ ક્યારેય ગ્લો નહીં કરે અને વાળને પણ સાબુ રૂક્ષ બનાવી દે છે. એટલે જ જાહેરાતોમાં સતત જોવા મળતા શૅમ્પૂ અને ફેસવૉશ એવી પ્રોડક્ટ્સ છે જેની અવગણના ન જ કરવી જોઈએ. હા, એ ઘરમાં કોઈ બીજાનાં હોય તો એ જ વાપરી લેવાની વૃત્તિ ખોટી છે. પોતાની સ્કિનની જરૂરિયાત પ્રમાણે પ્રોડક્ટ્સ શોધો અને એ જ વાપરો.
સનસ્ક્રીન | ચોમાસામાં તડકો ન હોય તો સનસ્ક્રીન શું કામનું એવો પ્રશ્ન થતો હોય તો જાણી લો કે સનસ્ક્રીન કમ્પ્યુટરમાંથી નીકળતી યુવી લાઇટ્સ સામે પણ પ્રોટેક્શન આપે છે. યુવી એટલે કે અલ્ટ્રા વાયલેટ લાઇટ્સ ત્વચા કાળી બનાવે છે. એની સામે સનસ્ક્રીન સંરક્ષણ પૂરું પાડે છે.
શિટ ફેસ માસ્ક | સેંલૉમાં બે કલાક બેસીને ફૅશ્યલ કરાવવાનો સમય નથી મળતો? કંઈ વાંધો નહીં. શિટ માસ્ક ૨૦ મિનિટમાં જ તમારા ચહેરાને જોઈતું હાઇડ્રેશન મેળવી આપશે. શિટ માસ્ક પણ સ્કિનટાઇપ મુજબ મળી રહે છે. કોરિયન સ્કિન માસ્ક ખાસ ડિમાન્ડમાં છે. શિટ માસ્ક ચહેરા પર રાખીને ૨૦ મિનિટ રહેવા દેવાનો જેથી એમાં રહેલું સિરમ ત્વચામાં અંદર ઊતરી જાય. એટલે પોતાની સ્કિન સારી દેખાય એવી ઇચ્છા રાખતા પુરુષો માટે આ માસ્ક ખૂબ કામના છે.
પરફ્યુમ અને ડીઓડરન્ટ | પરફ્યુમ અને ડીઓની જાહેરાતમાં જે દેખાડવામાં આવે છે એ વાત પર વિશ્વાસ નથી જ કરવાનો, પણ આ બન્ને પ્રોડક્ટ્સ જુદી-જુદી છે અને બન્ને જરૂરી છે. પરફ્યુમ આખા દિવસ માટે એક લૉન્ગ લાસ્ટિંગ ફ્રૅગ્રન્સ આપે છે, જ્યારે ડીઓ પસીનાની દુર્ગંધને નાબૂદ કરે છે. બન્ને ચીજોનું કામ જુદું-જુદું છે અને બન્ને જરૂરી છે.
બિયર્ડ ઑઇલ | મોટા ભાગના લોકો તમને કહેશે કે બિયર્ડને લગતી પ્રોડક્ટ્સ એટલે કે બિયર્ડ ઑઇલ, વૅક્સ વગેરે ચીજો નકામી છે. આ ચીજો નહોતી ત્યારે શું દાઢી નહોતી ઊગતી? પણ ના, એવું નથી. આ ચીજો બિયર્ડને મૅનેજ કરવામાં અને એ સારી રીતે વધે એ માટે જરૂરી છે. બિયર્ડ ઑઇલ દાઢીના વાળને સૉફ્ટ બનાવે છે, વાળને હાઇડ્રેટેડ રાખે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે.
લિપ બામ | ડ્રાય સ્કિનની તકલીફ હોય અને હોઠ ફાટી જાય ત્યારે પણ લિપ બામ ફક્ત છોકરીઓ જ લગાવતી હોય એવું માનવું એ દિવસો હવે ગયા. ઊલટું સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને ડ્રાય સ્કિન અને ડ્રાય લિપ્સની તકલીફ વધુ થાય છે એટલે લિપ બામ વાપરવો જોઈએ. એ લિપસ્ટિક કે લિપગ્લૉસ લગાવ્યો હોય એવું જરાય નહીં લાગે. કંઈ નહીં તો પેટ્રોલિયમ જેલી જેવો ટ્રાન્સપરન્ટ લિપ બામ લગાવી શકાય.
ટ્રિમર | રેઝર હોય તો ટ્રિમરનું શું કામ? પણ રેઝરની સરખામણીમાં ટ્રિમર સેફ છે અને ઉપયોગી પણ. એ સ્કિનને રેઝર બર્નથી બચાવે છે. એક ટ્રિમર વસાવેલું હશે તો દાઢીના વાળને મેઇન્ટેઇન કરવા માટે કામ લાગશે. વારંવાર સેંલૉમાં જવા માટે સમય ન મળે ત્યારે ટ્રિમર કામ આવે છે. એ સિવાય બૉડી હેર માટે પણ ટ્રિમર બેસ્ટ છે.
બધું ગિમિક નથી : પુરુષોની સ્કિનકૅર અને ગ્રૂમિંગ હંમેશાંથી ધ્યાન ન અપાયેલો વિષય રહ્યો છે. કોઈ નવી પ્રોડક્ટ બજારમાં આવી પણ જાય તો એ કામની નથી એમ કહીને ટાળી દે છે. એ વાત દરેક પ્રોડક્ટ માટે સાચી નથી.