રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે અને થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ પ્રમાણે, આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. 7 ઓક્ટોબરની આગાહી – થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે.
8 ઓક્ટોબરની આગાહી- પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
9 ઓક્ટોબરની આગાહી – સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાય રહ્યા છે. તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ હોવાના કારણે થંડરસ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ, પ્રહલાદ નગર, એસજી હાઇવે, આણંદ નગર સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે.
ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાતાવરણ પલટો અને કમોસમી વરસાદના કારણે ડાંગરના પાક અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે. વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હજુ આગામી 4 દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.