Gujarat News: ખેડા જિલ્લામાં લીંબાસી તારાપુર હાઇવે પર સાયલા પાટિયા નજીક મોટરસાયકલને પીકઅપ ડાલા ટેમ્પાએ ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને બે યુવકોને ઇજા થઈ હતી. જ્યારે માતર ખોડીયાર ચોકડી નજીક બાઈક અકસ્માત તેમજ પીજ ચોકડી બ્રિજ ઉપરથી ટ્રક સવસ રોડ પર પલટી ખાતા સર્જાયેલ અકસ્માતમાં કુલ ચાર ઈસમોને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તારાપુર તાલુકાના મોભા ગામના વીરભદ્રસિંહ ગોવિંદસિંહ ગરાસીયા અને તેના બે મિત્રો જીગ્નેશ અજીતભાઈ ગરાસીયા, પ્રવીણભાઈ મફતભાઈ ગરાસીયા ત્રણેય મોટરસાયકલ પર બેસી ખેડા ખાનગી કંપનીમાં નોકરી પર જતા હતા. દરમિયાન ગુરુવારે સાંજે તારાપુર લીંબાસી હાઇવે પરથી ત્રણેય મિત્રો મોટર સાયકલ પર ખેડા તરફ જઇ રહ્યા હતા. ત્યારે સાયલા પાટિયા નજીક પીકઅપ ડાલા ટેમ્પો મોટરસાયકલને ટક્કર મારી ટેમ્પો ચાલક નાસી ગયો હતો. જેથી બાઈક સવાર ત્રણે યુવાનોને રોડ ઉપર પટકાતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી વીરભદ્રસિંહ ગરાસીયા (ઉં.વ.૩૪)નું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોને ઇજા થતાં ૧૦૮ મારફત ભલાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ બનાવ અંગે બીપીનભાઈ મહેન્દ્રભાઈ પરમાર ગરાસીયાની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ગુરુવારે રાત્રે માતર કુરેશી વાડમાં રહેતા આશિક મુસ્તુફા મિયા કુરેશી અને તેના મામાના દીકરા રેહાન હુસેન બિસ્મિલામિયાં મલેક મોટર સાયકલ પર ખેડા જઈ રહ્યા હતા. આ દરમિયાન રાતે ખોડિયાર ચોકડી નજીક પેટ્રોલ પંપમાં બાઈકમાં પેટ્રોલ પુરાવવા બાઈક વાળી ઉભી રાખી હતી. ત્યારે ખેડા તરફથી પૂર ઝડપે આવેલી મોટરસાયકલે બાઈકને ટક્કર મારતા આશિક કુરેશી તેમજ રેહાનહુસેન મલેકને ઇજા થઈ હતી. જેથી બંનેને સોખડા ચરોતર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં નેશનલ હાઇવે નં.-૪૮ પીજ ચોકડી ઓવરબ્રીજ પર રાજસ્થાનના દીપુ નારાયણ ગુજ્જર ભીલવાડાની બજરંગ ટ્રાન્સપોર્ટની ટ્રક લઈ અમદાવાદથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જઈ રહ્યો હતો. ત્યારે પુરઝડપે ઓવરટેક કરેલી બાઈકના ચાલકને બચાવવા ટ્રક રોડની સાઈડમાં દબાવતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદાવી રોંગ સાઈડે જઈ બ્રિજ ઉપરથી સવસ રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી.
જેથી ટ્રક ચાલક દીપુ નારાયણ ગુજ્જર તેમજ ક્લીનર સુરેન્દ્ર ભૈરવ રાવતને ઇજા થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વસો પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.