વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.
તમને જણાવી દઇએ કે, AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જોકે, દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ઇશુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં ‘યોજના’ નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.
ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઇશુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’