કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશના તમામ રાજ્યોને ઔદ્યોગિક સમૂહની આસપાસના વિસ્તારમાં આરોગ્ય પર થતી અસરનું આંકલન કરવા માર્ચ 2011માં આદેશ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વર્ષ 2012-13થી 2016 -17 સુધીમાં દરેક ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારની 3થી 5 હોસ્પિટલની માહિતી એકત્ર કરાઇ હતી.
જેના આધારે દમ, શ્વાસ નળીમાં સોજો, સ્વસનતંત્રમાં ચેપી રોગવાળા 80443 દર્દીઓ નોંધાયાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં બહાર આવ્યું છે. આ દર્દીઓની વધતી જતી સંખ્યા આરોગ્ય પર હવા પ્રદુષણની અસરની ગંભીરતા દર્શાવે છે. દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈને ઔદ્યોગિક મંડળોએ તજજ્ઞો દ્વારા પ્રદૂષિત વિસ્તારમાં આરોગ્ય પર અસરનું આંકલન હાથ ધર્યું હતું પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આંકલન નહીં કર્યુ હોવાનું કેગે તેના અહેવાલમાં ટાંક્યું છે. આવો અભ્યાસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ થવો જોઈએ તેવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે.
ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારોની આસપાસની વિસ્તારની હવાની ગુણવત્તાને લઈને પ્રદૂષિત વિસ્તારમાં ઓછામાં ઓછા બે દેખરેખ મથકો સ્થાપવા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ આ સુચનાનું પાલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્યના 10 લાખથી વધારે વસ્તીવાળા તમામ શહેરો એટલે કે અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટમાં હવાની ગુણવત્તાની સતત દેખરેખ રાખતા મશીનોને સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે. પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી.
માર્ચ 2021 સુધીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાતમાં છ સીએએકયુએમએસની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારમાં આ ગુણવત્તા દેખરેખ મથકો સ્થાપવામાં આવ્યા નથી. ઔદ્યોગિક મંડળો દ્વારા વાપી અને વટવામાં આવા ગુણવત્તા દેખરેખ મથકો આપવામાં આવ્યા છે પરંતુ હજુ અન્ય વિસ્તારોમાં ગુણવત્તા દેખરેખ કેન્દ્રો સ્થાપવાના બાકી છે. જે અંગે જૂન 2021માં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈને વડોદરા અને સુરતમાં ટેન્ડરો બહાર પાડી દેવાયા છે. રાજ્ય સરકારને કેગ દ્વારા ટકોર કરવામાં આવી છે કે, આવા પ્રદુષિત વિસ્તારોની હવાની ગુણવત્તાને લઈને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગુણવત્તા દેખરેખ કેન્દ્ર સ્થાપવામાં રાજ્ય સરકારે ઝડપ લાવવી જોઈએ.