- વરિષ્ઠ-દિવ્યાંગ મતદારોને સહાયરૂપ બનતા એન.એસ.એસ.ના ૮૦૦થી વધુ વોલેન્ટિયર્સ
- જબ કદમ સાથ ના દે તબ હોસલા મંજિલ તક પહોચાયેગા
સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને બુઝુર્ગો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જોમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જોવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં અનેક બૂથ પર બુઝુર્ગ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો મતદાન માટે આવી રહ્યા છે ત્યારે એન.એસ.એસ. ના ૮૭૭ વોલેન્ટિયર્સ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એન.એસ.એસ. ના વોલેન્ટિયર્સ વિવિધ મતદાન બૂથ પરની કામગીરી અંગે શિક્ષણ વિભાગ, સમાજ સુરક્ષા તેમજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ૭૫ જેટલા કર્મચારીઓ પણ વોલિયન્ટર્સની મદદમાં મુકવામાં આવ્યા છે.
આ સ્વયંસેવકો વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદાતાઓને જરૂર પડ્યે, વ્હીલચેર સાથે મતદાન રૂમ સુધી લઈ જવામાં, પાણી પીવડાવવા સહીત આનુસંગિક મદદરૂપ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મતદાન બૂથ પર વ્હીલચેર સહિતની સુવિધા રાખવામાં આવી છે, તો વડીલો મતદાન કરવા આવે ત્યારે સુરક્ષા જવાનો પણ તેમને ટેકો આપીને મતદાન મથક સુધી દોરી જતા હોય છે.