આ અનોખા સેન્સર મશીનનીં રેન્જ છે 200 કી.મી. સુધીની
કોઈ પણ જગ્યાએ વીજળી પડશે તો ઈસરોને ચોક્કસ લોકેશન મળી જશે
રાજકોટમાં આવેલ લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ સેન્સર કરાયું છે ઇન્સ્ટોલ
ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. 6 દિવસ પહેલાં રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં હતાં. વીજળી પડવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મૂકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવાં રાજકોટ અને કચ્છના માંડવીનો સમાવેશ થાય છે.
આ સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે અને એના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરવામાં આવશે. આમ, રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પર્ફેક્ટ લોકેશન જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સેન્સર આજથી એક મહિના પૂર્વે મૂકવામાં આવ્યું હતું.
ચોમાસામાં વાવાઝોડા દરમિયાન વીજળી પાડવાના બનાવ સામે આવતા હોય છે, જેને કારણે જાનમાલને પણ નુકસાન થતું હોય છે, ત્યારે આ આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં જો વીજળીમાંથી પાવર કેપ્ચર કરવાની સિસ્ટમ અમલમાં આવે તો આગામી દિવસોમાં વીજળી પડવાથી જાનમાલને થતું નુકસાન પણ અટકાવી શકાશે.