ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહસ્યમયી અવકાશી પદાર્થો મળી આવે છે
રોકેટ લોન્ચર જેવા ડિવાઇસ મળી આવ્યા
ભૂતકાળમાં પણ રોકેટ લૉન્ચર મળી આવવા મામલે ફરિયાદ નોંધવામાં આવી
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહસ્યમયી અવકાશી પદાર્થો મળી આવે છે. સૌરાષ્ટ્ર,આણંદ અને ખેડા જિલ્લામાંથી અનેકવાર અવકાશી ગોળા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ભાવનગરના ખેડૂતવાસમાં રોકેટ લોન્ચર જેવુ ડિવાઇસ મળી આવતા ચર્ચાનો દોર શરૂ થયો છે.
ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાંથી રોકેટ લોન્ચર જેવા ડિવાઇસ મળી આવ્યા હતા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ખેડૂતવાસ રેલવેના પાટા નજીક રોકેટ લોન્ચર જેવા લાગતા ડિવાઇસ મળી આવ્યા. લગભગ 11થી 12 જેટલા રોકેટ લૉન્ચર જેવા કોઇ ડિવાઇસ જોવા મળ્યા હતા. જો કે આ મામલે બોરડી ગેટ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ અધિકારીનું કહેવુ છે કે આ રોકેટ લૉન્ચર નહીં પરંતુ રોકેટ સિગ્નલ છે.
મહત્વનું છે કે રોકેટ સિગ્નલનો ઉપયોગ જહાંજોને દિશા બતાવવા માટે વપરાય છે. અલંગમાં આવતા જહાંજોને દિશા બતાવવા રોકેટ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ રોકેટ લૉન્ચર મળી આવવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ રોકેટ સિગ્નલ અહીં કોણ મૂકી ગયુ અને શા માટે તેને લઇને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ચરોતર બાદ સૌરાષ્ટ્રના એક ગામમાં પણ અવકાશી ગોળા પડવાની ઘટના જોવા મળી હતી. બોટાદ જિલ્લાના ગઢીયા ગામમાં શંકાસ્પદ આકાશી ગોળો પડ્યો હતો. ગામની સિમ વિસ્તારમાં 2 જગ્યાએ ગોળા જેવો પદાર્થ પડ્યો હતો જેના કારણે ગ્રામજનો પોલીસ પાસે પહોંચ્યા હતા. ગ્રામજનોએ જાણ કરતા રાણપુર પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે લગભગ બે-અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીં ખાબક્યો હતો. મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતાં અક્ષર પોલ્ટ્રી ફાર્મમા સૂઇ રહેલા મહેન્દ્ર પટેલ ઊંઘમાંથી ઉઠી ગયા હતા. દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો. જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો