ઉનાળો તો આકરો જ જવાનો
જળાશયોમાં એકાદ માસ કે દોઢ માસ ચાલે તેટલું જ પાણી બચ્યું
રાજકોટ, મોરબી, જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયા જાટક
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો રાજ્યના કેટલાક જીલ્લાઓમાં ડેમના પાણીમાં અછત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની એ કઠણાઇ રહી છે કે પાણીની કટોકટી તેનો ક્યારેય પીછો છોડતી નથી. એકાદ વર્ષ ચોમાસું સારું જાય એટલે શાસકો બધા જ આયોજનોને અભેરાઇએ ચડાવીને બેસી જાય, પરંતુ પાણીની પૂર્તતાનું કાયમી આયોજન થતું જ નથી.
સરકારે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને કાયમી જાકારો આપવા સૌની યોજના લાવી અને એ લિંકઅપ યોજના થકી સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ નર્મદાનાં નીરથી ભરી લેવાનું માઇક્રો પ્લાનિંગ કરી, અમલવારી શરૂ પણ કરી દીધી.
જે તે વખતે સરકારે અમુક ડેમ નર્મદા જળરાશિથી અમુક લેવલ સુધી ભરીને જશ પણ ખાટી લીધો અને કુદરતનું કરવું કે ચોમાસું પ્રમાણમાં સારું રહ્યું અને બાકીનું કામ વરસાદે કરી લીધું, પરંતુ એ માઇક્રો આયોજન કેવું હતું એની સાબિતી હવે મળી રહી છે અને સૌની યોજના થકી જે ડેમ ભરવાના મસમોટાં દાવાઓ કરવામાં આવ્યા તેનો વાસ્તવિક ચિતાર જાણવામાં આવ્યો તો ચિત્ર કલરફૂલના બદલે બ્લેક એન્ડ વ્હાઇટ અત્યારથી જ દેખાવા લાગ્યું છે.
નર્મદા જ્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે ત્યાંથી જ સૂકાઇ રહી હોવાના પુરાવાઓ મળી રહ્યા છે, સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોની જનતાને પીવાના પાણીનો સ્ત્રોત નર્મદા બની રહ્યો છે ત્યારે હવે નર્મદાનાં નીર કેટલા ડેમોમાં પહોંચશે અને એ પાણીથી ડેમના લેવલમાં ક્યારે અને કેટલો વધારો થશે તે વિચાર માગી લે તેવી બાબત છે.
રાજકોટ, મોરબી, જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં અત્યારે જ એકાદ માસ કે દોઢ માસ ચાલે તેટલું જ પાણી છે, લોકોને આશા હતી કે સરકારે આપેલા વચન મુજબ પાણીની કટોકટી સહેવાનો વારો નહીં આવે, પરંતુ હવે આ બધી કપોળકલ્પિત વાતો જ બની રહેશે તેવો હાલનો સિનારિયો કહે છે.
ઉપલેટાનાં વેણુ-2 અને ભાયાવદર નાં મોજ ડેમમાં હાલમાં લોકોને પીવાના પાણીની સમસ્યા કોઈ જાતની ઊભી નહીં થાય કારણકે બંને ડેમમાં પાણીની સપાટી સારી હાલતમાં છે.અત્યારે મોજ ડેમમાં 30 ફુટ પાણી છે.અને વેણુ-2 ડેમમાં 42.50 ફુટ જેટલું પાણી છે.તેથી લોકોને પીવાની પાણીની વ્યવસ્થા માટે કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય.અને જાણવા મળેલ મુજબ આ બંને ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડવામાં આવે તેવું અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું.