ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે
અઠવાના શનિવારી બજાર, વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ભરાયાં
હાલની ઉકાઈ ડેમ અને તાપી નદીની સ્થિતિ છે કઈક આવી
ઉપરવાસમાં સતત પડતા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસી ગયાં છે. ફ્લડ ગેટ બંધ થાય તો પાણી ઉલેચવા માટે પાલિકાએ ડી-વોટરિંગ પંપ મૂક્યા છે. હાલ પાણી ભરાવાની નજીવી અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી ગઈ છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગઈ છે.
કાંઠા વિસ્તારમાં રહેતા મંજુબેન વસાવાએ જણાવ્યું હતું કે, અમારા ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયા છે. અમને કોઈ સુવિધા પણ આપવામાં આવી નથી. દર વર્ષે પાણી છોડવામાં આવે છે. જોકે, કોઈ પરિસ્થિતિ જોવા માટે આવતા નથી. ઝૂંપડપટ્ટીવાળા તમામ લોકોના ઝૂંપડામાં પાણી ભરાઈ ગયા છે. ઝૂંપડાઓમાં અડધો સામાન બહાર કાઢ્યો હતો અને અડધો અંદર જ પડ્યો છે. ગઈ કાલે બપોર બાદથી પાણી ધીમીધીમે ભરાવાનું શરૂ થઈ ગયું હતું. સંતાનોને બહાર કાઢવાને પ્રાથમિકતા આપી તો સામાન અંદર જ પડી રહ્યો.
રમીલાબેન પંચાલે જણાવ્યું હતું કે, શનિવારી બજારમાં પાણી ભરાઈ ગયા છે. પાણી આવતા પહેલાં અમને કોઈ કહેવા પણ આવ્યું નથી. રાત્રે સૂતેલા હતા ત્યારે વધુ પાણી આવી ગયું હતું. 50થી વધુ ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયા છે. અડધાથી પોણા ઝૂંપડાઓ પાણીમાં ડૂબી ગયા છે. દર વર્ષે પાણી આવી જાય છે અને કોઈ કહેવા પણ આવતું નથી.
કલ્પેશભાઈ કહારે જણાવ્યું હતું કે, આ ચોકબજારની હદ છે. ડક્કા ઓવરા પાસે પાણી મંદિર સુધી આવી ગયું છે. ઝૂંપડાઓવાળા ખાલી કરીને જતા રહ્યા છે. તેમને કોઈ સુવિધા આપવામાં આવી નથી. ઝૂંપડાઓમાં અડધા સુધી પાણી ભરાઈ ગયા છે. ગત રોજ બપોર બાદથી પાણી આવવાનું શરૂ થઈ ગયું હતું અને કોઈ એલર્ટ કરવા પણ આવ્યું નથી.
તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલ રાતથી પાણી છોડવાની શરૂઆત કરી, ત્યાર બાદ આજે બે લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં આવી રહ્યું છે, જેને કારણે કોઝવેની સપાટી 10 મીટર નજીક પહોંચી ગઈ છે. કોઝવેની સપાટી વધતાં ભરીમાતા ફ્લડગેટ બંધ કરાયો છે. આ ઉપરાંત પાલિકાએ તાપી નદી ખાતે બનાવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પણ પાણી ઘૂસી ગયાં છે.