કાયદાના ડર વિના બુટલેગરો બેખૌફ બન્યા છે
સુરતના પાંડેસરામાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે
3 મહિના પહેલા પોલીસમાં આ મામલે અરજી થઇ હતી તેની પણ કોપી સામે આવી છે
ગુજરાતમાં અવારનવાર દારૂબંધીને લઇને સવાલો ઉઠે છે. ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ક્યાંક પોલીસની રહેમનજર હેઠળ તો ક્યાંક કાયદાના ડર વિના બુટલેગરો બેખૌફ બન્યા છે. ત્યારે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ સુરતમાં ક્યાંક લઠ્ઠાકાંડ સામે આવે તો નવાઇ નહી. કારણ કે સુરતમાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે.
ક્યાં સુધી પોલીસ અને બુટલેગરો મિત્ર બનીને રહેશે ? શુ સુરતમાં પણ જોવાઇ રહી છે લઠ્ઠાકાંડની રાહ? ઉલ્લેખનીય છે રાજ્યમાં દારૂબંધીના નિયમોને નેવે મૂકતી અનેક ઘટના બને છે પરંતુ આ મામલે કોઇ ઠોસ કાર્યવાહી ન કરાતા દારૂબંધીનો કાયદો માત્ર ચોપડા પર જ રહી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે આ મામલે તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ?
મહત્વનું છે કે એક તરફ પોલીસની છબીને સારી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સવાલ એ પણ થાય કે તંત્ર દ્વારા શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી ? શા માટે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે ? ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે શું પોલીસને તેની જાણ ન હોય તેવુ બને ખરા ? બોટાદની જેમ સુરતમાં પણ મોત થયા બાદ એક્શનમાં આવવાની રાહ જોવાઇ રહી છે ? દારૂબંધીના નિયમોનું પાલન કરાવવામાં તંત્રની પાછી પાની કેમ ?
સુરતના પાંડેસરામાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. લિંબાયત વિસ્તારમાં પણ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વળી 3 મહિના પહેલા પોલીસમાં આ મામલે અરજી થઇ હતી તેની પણ કોપી સામે આવી છે. પાંડેસરામાં દારૂના અડ્ડા ચાલતા હોવાની અરજી થઇ હતી તે વાતને 3 મહિના થયા છતાં સ્થિતિ એની એજ જોવા મળતા પોલીસની કામગીરી પર શંકાઓ ઉપજી રહી છે.