ahગુજરાત સરકાર સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા 15 જેટલા દર્દીના સગા ફસાયા હતા. ત્યારે ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં લિફ્ટ પડતા 7 શ્રમિકોના મોત નીપજ્યા હતા. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પણ મોટી દુર્ઘટના ટળી છે.
મળતી માહિતી પ્રમાણે, જ્યારે દર્દીના સગા હોસ્પિટલમાં તેમને મળવા આવ્યા હતા. ત્યારે લિફ્ટમાં બેઠાં હતા અને અચાનક જ લિફ્ટ ખોટકાતા બંધ પડી ગઈ હતી અને 15 દર્દીના સગા લિફ્ટમાં અટવાઈ ગયા હતા. ત્યારે ફાયરબ્રિગેડને તાત્કાલિક આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તમામનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ભારે જહેમત બાદ તમામ લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. હાલ તો કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચ્યાના સમાચાર નથી મળ્યાં. તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યાં છે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-ટુ નામના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ સમયે માંચડો તૂટી પડતાં આઠ શ્રમિકોનાં મોત નીપજવાની કરુણાંતિકા સર્જાઈ હતી. આ ઘટનામાં સાતમા માળેથી આઠ શ્રમિકો પડ્યાં હતા. આઠ શ્રમિક પૈકી માત્ર એક જ શ્રમિક બચ્યો હતો અને હાલ તેની હાલત ગંભીર છે. તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય સાત શ્રમિકનાં મોત નીપજ્યા હતા.