નવા વર્ષના પ્રારંભ સાથે શહેરમાં ચાઇનીઝ માંઝાના કારણે ગળુ કપાઇ જતા બે આશાસ્પદ યુવાનના મોત નીપજ્યાં હતા. જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું હતું અને સતત પતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારીના ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલીસને ચેકિંગના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
પાણીગેટ પોલીસ બાવચાડમાંથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચાઇનીઝ દોરાની 111 રીલ કબજે લઇને જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિટી પોલીસ મથકની ટીમે પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 3 ઈસમોને ઝડપી પાડી કુલ 20 નંગ ફીરકી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાણી પોલીસે પણ દશરથ ગામમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 2 ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચાઈનીઝ દોરીની કુલ 30 નંગ રીલ જપ્ત કરી હતી. નવાપુરા પોલીસે અન્સારી મોહલ્લામાં એક વેપારીને ત્યાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીની કુલ 7 નંગ રીલો જપ્ત કરી હતી. ફતેગંજ પોલીસે પણ એક પંતગ સ્ટોર માંથી 14 ચાઈનીઝ દોરી જપ્ત કરી એક વેપારીની અટકાયત કરી હતી.
ઉત્તરાયણના તહેવારના લઇને પોલીસ કમિશન ડો. શમશેરસિંઘ દ્વારા ચાઇનીઝ દોરી અને ગુબ્બારાના વેચાણ પર પ્રતિંબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા તેમના જાહેરનામાનો ઉલ્લંઘન કરીને બિન્દાસ્ત ચાઇનીઝ દોરાનું વેચાણ કરી રહ્યા છે. નવા વર્ષના પ્રારંભ સાથે દોરાના કારણે ગળું કપાઇ જવાના કારણે હોકી પ્લેયર સહિત બે યુવાનના મોત નીપજ્યાં હતા. જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને પતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારીઓના દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસના ચેકિંગના પગલે વેપારીઓમાં એક તબક્કે ફફડાટ ફેલાયો છે.
વડોદરા જિલ્લા પોલીસ પણ એક્શનમાં
વડોદરા શહેર પોલીસની સાથે વડોદરા જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવ્યું છે અને પાદરા તાલુકાના ડભાસા ગામે એક ખેતરની ઓરડીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીના ત્યાં જિલ્લા એલસીબીએ દરોડો પાડી ચાઈનીઝ દોરીની 161 રીલો ઝડપી પાડી પોલીસે આરોપી મેહુલ પટેલની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
બાપોદ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ કમલાનગર ખાતે ઘરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા દિનેશ પ્રજાપતિને બાપોદ પોલીસે 30 નંગ ચાઈનીઝ દોરીની રીલ અને 10 નંગ ચાઈનીઝ તુક્કલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.