- ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક
- 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી
- 9થી 19 મે દરમિયાન ST નિગમને રોજ 7થી 8 કરોડની આવક
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક સ્થળોએ 43થી 44 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે સાથોસાથ ચાલુ માસમાં વેકેશન ઉપરાંત લગ્નગાળાની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે. અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે. તેમજ લગ્નગાળામાં લોકો ખાનગી બસ કે વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેને પગલે ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
છેલ્લા 11 દિવસની સરખામણી જોઇએ તો 16 મેના રોજ રાજ્યની એસટી બસોમાં 18.26 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે છેલ્લા 11 દિવસમાં સૌથી વધુ છે. 16મેના રોજ ST નિગમને રૂ.8.94 કરોડથી વધુની આવક પણ થઇ હતી. આ જ રીતે 17મેના રોજ 17.87 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને ST નિગમને રૂ. 8.32 કરોડથી વધુની આવક થઈ હતી. ST નિગમના અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 11 દિવસ દરમિયાન ST નિગમે 3.36 લાખથી વધુ ટ્રીપોનું સંચાલન પણ કર્યું હતું. નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ચાલુ આખો મહિનો ST બસોમાં ચિક્કાર ટ્રાફિક રહેશે અને વેકેશન તથા લગ્નગાળાની અસર વર્તાશે.
લગ્નગાળો અને વેકેશનના કારણે ટ્રાફિકમાં વધારો થતાં ST નિગમને દૈનિક રૂ.7 કરોડ આસપાસ આવક થઇ રહી છે. છેલ્લા 11 દિવસ દરમિયાન ST તંત્રની બસોમાં 1.92 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને દૈનિક રાજ્યની બસોમાં 18 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ST નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર ખાસ કરીને છેલ્લા 11 દિવસ દરમિયાન ST નિગમની આવકમાં દૈનિક એક કરોડ જેટલો ખાસ્સો વધારો થયો છે. તેમજ રોજના ટ્રાફિકમાં પણ 20 ટકાથી વધુનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ઉનાળો હોવા છતાં એસટી બસોમાં સતત મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ખાનગી બસોમાં જોઇએ એવો ટ્રાફિક નજરે પડતો નથી. આ અંગે ST વિભાગના વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ખાસ કરીને ખાનગી બસ સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટૂંકા અને લાંબા અંતરની બસોમાં 2થી 3 ગણો ભાડાવધારો કરી દીધો છે.
જેના કારણે લોકો ખાનગી બસોમાં બને ત્યાં સુધી બેસવાનું ટાળી રહ્યા છે. ST નિગમ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વારંવાર તોતિંગ વધારો કરાયો છતાં હજુ સુધી ભાડામાં વધારો કર્યો નથી. જેના કારણે લોકો સતત ST બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.
રાજકોટ ST ડિવિઝનના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ એમ.કે. કાદરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. પરંતુ કોરોનો હળવો પડતા લોકો વેકેશનમાં ફરવા જાય છે. દરેક રૂટ પર મુસાફરોનું ટ્રાફિકનું પ્રમાણ સારું છે અને ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનમાં સોમનાથ અને દ્વારકા સૌથી વધુ લોકો જઇ રહ્યા છે. એકંદરે બધા જ રૂટો પર ટ્રાફિક જોવા મળે છે. વેકેશનનો માહોલ હોય દરેક જગ્યાએ લોકો જઇ રહ્યા છે. હાલ બુકિંગનું પ્રમાણ પણ સારું છે.