અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે, આ વર્ષે પવિત્ર યાત્રાધામ બોર્ડની સાથે મળીને CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને અંબાજી ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓ માટે બહુવિધ સુવિધાઓના પ્લેસમેન્ટ, પાર્કિંગ ફેસેલિટીની ડિઝાઈન અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર પણ CRDF દ્વારા કામ કરવામાં આવ્યું છે. ત્યારે પહેલીવાર મેળામાં ખાસ ટેકનોલોજી મૂકાઈ છે. મેળામાં બાળકો ખોવાઈ જવાના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે મેળામાં ખોવાઈ જતા બાળકોને હવે QR Scan Code ની મદદથી શોધવામાં આવશે. આ માટે “માતૃમિલન પ્રોજેક્ટ”નો પ્રારંભ કરાયો છે.
આ ઉપરાંત, આ વખતે અંબાજીમાં યાત્રાળુઓને કોઈપણ અગવડનો સમનો ન કરવો પડે તે માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીને QR Codeની પહેલ કરવામાં આવી છે. આ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અને તેના સ્થળની સંપૂર્ણ માહિતી મળી રહેશે. મેળામાં ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે “માતૃમિલન પ્રોજેક્ટ”નો પ્રારંભ કરાયો છે.
આ ડિજીટલ પહેલથી મેળામાં ખોવાયેલી મહીસાગર જિલ્લાની બે દીકરીઓનું તેમની માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પોતાના પરિવાર સાથે મા અંબાના પગપાળા દર્શન કરવા પહોંચેલ નેહા પ્રજાપતિએ જણાવ્યું કે ‘કોરોનાના બે વર્ષ બાદ જ્યારે આ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભક્તો માટે ખાસ છે. હવે ફોર લેન રસ્તાથી લઈને ભક્તોને કોઈ પણ હાલાકી વેઠવી ન પડે તે રીતે ટ્રાફિકનું પણ નિયમન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કરવામાં આવેલી વિસામા અને રાહત કેમ્પની વ્યવસ્થાના કારણે જરા પણ થાકનો અનુભવ ન થાય તે રીતે અંબાજી પહોંચીને માના દર્શનનો લાભ લઈ શકાયો છે.’